વરાછા વિસ્તારમાં આવેલા મીની બજાર નજીકની અંકુર દિવાળીબાગ ઈન્ડસ્ટ્રીઝ અંકુર સોસાયટી પાસે મોલમાં આવેલા કૂર્તિના શો રૂમમાં બે મહિલાઓ ગ્રાહક તરીકે આવી હતી. કૂર્તિઓ જોતા જોતા ગાદલા પર પડેલા કર્મચારીના ફોનની તફડંચી કરીને નાસી ગઈ હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકુર સોસાયટીના ચિત્રકુટ એપાર્ટમેન્ટાં રહેતી ખુશ્બુ ઈશ્વરભાઈ ગોહેલ કૂર્તિની દુકાનમાં નોકરી કરે છે. દુકાનમાં ગત આઠમી ઓક્ટોબરના સાંજના છ વાગ્યે નોકરી પર હતા તે દરમિયાન દ્રષ્ટીબેન શો રૂમના ગાદલા પર બેઠા હતા અને તે જ વખતે બે મહિલા ગ્રાહક ખરીદી કરવા આવતાં ખુશ્બુ ઉભી થઈને કાઉન્ટર પર ગઈ હતી. દ્રષ્ટીબેન પેલી બન્ને મહિલાઓને કૂર્તિ દેખાડતા હતાં.બન્ને મહિલાઓએ કૂર્તિઓ ટ્રાય કરી અને એ દરમિયાન ખુશ્બુના મોબાઈલ પર એક મહિલાએ પોતાના ડ્રેસનો દુપટ્ટો નાખીને મોબાઈલ સંતાડી દીધો હતો. બાદમાં બન્ને મહિલાઓ કંઈ પણ ખરીદી કર્યા વગર મોબાઈલ પોતાની સાથે લાવેલી પ્લાસ્ટિકની થેલીમાં નાખીને જતી રહી હતી. આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં. મહિલાઓ ગયા બાદ ખુશ્બુને ફોન ચોરાયા અંગે જાણ થતાં તેણે કોલ કર્યા પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે જ શો રૂમના સીસીટીવીમાં કેદ થઈ ગયેલા દ્રશ્યોના આધારે પોલીસે વધઉ તપાસ હાથ ધરી છે.