પીએમસી કાંડમાં વાધવાન, વરિયમની કસ્ટડી વધી

388

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (પીએમસી)ના પૂર્વ ચેરમેન અને એચડીઆઈએલના બે ડિરેક્ટરોની પોલીસ કસ્ટડી ૧૪મી ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. બેંકમાં ૪૩૫૫ કરોડ રૂપિયાના કૌભાંડના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે તેમની કસ્ટડી વધારી દેવામાં આવી છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એચડીઆઈએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગની ગયા ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પીએમસી બેંકના પૂર્વ ચેરમેન વરિયનસિંહની શનિવારના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગના અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને આજે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (સીજી શેખ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રિપુટીની પોલીસ કસ્ટડીની અવધિ પુરી થયા બાદ તેમને આજે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, કૌભાંડના સંદર્ભમાં વધુ પુછપરછ કરવાની જરૂર દેખાઈ રહી છે જેથી તેમને રિમાન્ડ મળે તે જરૂરી છે. ત્યારબાદ કોર્ટે ૧૪મી ઓક્ટોબર સુધી તેમના રિમાન્ડને લંબાવી દીધા હતા. બીજી બાજુ બેંકના મોટી સંખ્યામાં કસ્ટમરોએ કોર્ટની બહાર બેંક અધિકારીઓ સામેના વિરોધમાં દેખાવો કર્યા હતા. ગયા સપ્તાહમાં જ મુંબઈ પોલીસ દ્વારા વાધવાન અને પીએમસી બેંક સામે કેસ દાખલ કર્યો હતો. બેંકને ૪૩૫૫.૪૩ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એચડીઆઈએલની ૩૫૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે.

સમગ્ર મામલામાં ઉંડી તપાસ હજુ પણ ચાલી રહી છે. ત્રિપુટી ઉપરાંત પોલીસે પીએમસી બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસની ધરપકડ કરી હતી. ૧૭મી ઓક્ટોબર સુધી તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે અગાઉ કોર્ટમાં કહ્યું હતું કે, પીએમસી બેંકે એચડીઆઈએલના ૪૪ લોન ખાતાઓ બદલી નાંખ્યા છે. એચડીઆઈએલ અને તેની ગ્રુપ કંપનીઓ સામે હજુ પણ તપાસ ચાલી રહી છે. પીએમસી બેંક કૌભાંડને લઇને પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓ તપાસ ચલાવી રહી છે. તેમની અભૂતપૂર્વ સંપત્તિની માહિતી મળી ચુકી છે. ત્રિપુટીને  ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની આકરી પુછપરછ ચાલી રહી છે.

Previous articleબે દલિત બાળકોની હત્યાના વિરૂધ્ધમાં ૧૦૫ લોકોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો
Next articleઅંકુશ રેખા નજીક ફરીવાર ૨૦ ત્રાસવાદી કેમ્પો સક્રિય