કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કલમ ૩૭૦ના મુદ્દે તેના વલણ બદલ કોંગ્રેસ પાર્ટીની જોરદાર ઝાટકણી કાઢી હતી. સાથે સાથે દેશને મળેલા પ્રથમ રાફેલ વિમાન પર શસ્ત્ર પુજાની વિધિ કરવાને લઇને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, રાફેલ શસ્ત્રપુજા પણ કોંગ્રેસના લોકોને એક નાટક લાગે છે જે આઘાતજનક છે. એક ચૂંટણી રેલીને સંબોધતા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કલમ ૩૭૦ની નાબૂદીનો વિરોધ કર્યો હતો. કલમ ૩૭૦ને નાબૂદ કરવા સામે અથવા તો તરફેણમાં હવે તેઓ શું કહેવા માંગે છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની નાબૂદી બાદ કોંગ્રેસ પાર્ટીના કેટલાક લોકોએ ભાજપની ટિકા કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, જે કંઇપણ કામ કરે છે તેનો વિરોધ કરવાની પાર્ટીના લોકોને ટેવ પડી ગઈ છે. દેશના લોકોમાં એવી ભાવના હતી કે, જમ્મુ કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે રહેવો જોઇએ. કલમ ૩૭૦ અને ૩૫એની કલમો દૂર થવી જોઇએ. કારણ કે, આનાથી વિકાસની કામગીરી જમ્મુ કાશ્મીરમાં અટવાઈ પડી હતી પરંતુ કોંગ્રેસના લોકો જનભાવનાઓને સમજી રહ્યા ન હતા. કલમ ૩૭૦ની નાબૂદીને રાજકારણ સાથે કોઇ લેવા દેવા નથી. આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે પરંતુ કોંગ્રેસે કલમ ૩૭૦ની તરફેણ કરી હતી અને ભાજપ સરકારની હિલચાલનો વિરોધ કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા રાફેલ ઉપર કરેલી શસ્ત્રપુજાને લઇને કેટલાક કોંગ્રેસી નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓને આમા પણ નાટક લાગે છે. રાજનાથસિંહે મંગળવારના દિવસે ફ્રાંસમાં મલ્ટીરોલ વિમાનની ડિલિવરી મેળવી હતી. દશેરાના પાવન પ્રસંગે ડિલિવરી મેળવ્યા બાદ તેના ઉપર શસ્ત્ર પુજા કરવામાં આવી હતી. અમિત શાહે કહ્યું હતું કે, ગઇકાલે વિજ્યાદશમી પર્વની ઉજવણી થઇ રહી હતી. તેઓ રાફેલના મામલામાં વડાપ્રધાન અને સંરક્ષણમંત્રીને અભિનંદન આપવા માંગે છે. અમિત શાહે મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મનમોહનસિંહ હજુ પણ એ જ વાંચી રહ્યા છે જે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી લખીને આપે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલા ખેતાલમાંથી ફેર ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ૭૫ સીટ જીતવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરી છે. અમિત શાહે કહ્યું હતું કે, અબકી બાર ૭૫ પારનો નારો અમે આપી રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ પ્રચાર કરવાની સ્થિતિમાં પણ દેખાઈ રહ્યા નથી. રાફેલને લઇને કોંગ્રેસ પાર્ટી વધુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.