વિક્રમ સંવત ૧૯૧૨ના આસો સુદ અગિયારસને તારીખ ૧૦ ઓક્ટોબર ૧૮૫૬ના રોજ ગોહિલવાડ રાજ્યની પુરાતન રાજધાની સિહોર ખાતે રાજકવિ પિતા પાતાભાઇ મુળુભાઈ નરેલા(ગઢવી) અને માતા આઇબાની પવિત્ર કુખે પિંગળશીભાઇ નરેલાનો જન્મ થયો. તળાજા તાલુકાનુ શેવાળીયા ગામએ તેઓનું મોસાળ હતું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ચારણી અને વ્રજભાષાના તેઓ જાણકાર હતા. આ નરેલા પરિવારની પાંચ પેઢીએ ભાવનગર રાજ્યનું રાજકવિ પદ શોભાવ્યું છે. જ્યારે તખ્તસિંહજી, ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ૩ રાજ પેઢી સુધી પિંગળશી નરેલાએ રાજકવિ પદ દિપાવ્યું હતું. તેઓ માત્ર રાજકવિ ન હતા પરંતુ એક પવિત્ર ચારણ અને પ્રભુભક્ત હતા, માટે જ તેઓને દેવતાતુલ્ય ચારણનું ઉપનામ/ બિરુદ મળ્યું હતું. તેઓના સંત હદયને સાચુ જળ તો મહારાજ તખ્તસિંહજી એ સીંચ્યું. મહારાજ તખ્તસિંહજી ગોહિલના તમામ સખાવતી કામો આ રાજકવિ હસ્તક જ ચાલતા હતા.
ભાવનગર ખાતે આવેલ સરકારી સરતખ્તસિંહજી હોસ્પિટલના પ્રેરણાસ્ત્રોત પણ આ રાજકવિ જ હતા. મહારાજની યાત્રાઓમાં પણ તેઓ સાથે જ હોય. સવારના ચાર વાગ્યે જાગતા અને હાથમાં કલમ લઈ દરરોજ એક પદની રચના કરતા. શિવ અને શક્તિના ગણ સમાન આ કવિએ બરવાળા પંથકમાં બિરાજમાન ભીમનાથ મહાદેવની આરાધના કરતાં છંદ ચર્ચરી માં લખ્યું છે કે :
આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર,
નિરંજન નિરાકાર ઈશ્વર નામી,
દાયક નવનિધિ દ્વાર, ઓપત મહિમા અપાર,
સર્જન સંસાર સાર, શંકર સ્વામી,
ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જલ તરંગ,
ઉમિયા અરધંગ અંગ કેફ આહારી,
સુંદર મૂર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ,
ભજહું મન ભીમનાથ શંકર ભારી…..૧
લોક સાહિત્યના કાર્યક્રમોમાં રજૂ થતા તેઓના ઋતુ વર્ણનો ખૂબ જ લોકપ્રિય છે ત્રિભંગી છંદ નો એકમાત્ર માત્ર છંદ જોઈએ.
આષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં, જલધારં,
દાદુર હકારં, મયુર પુકારં , તડીતા તારં વિસ્તારં,
ના લહી સંભારં, પ્યાસ અપારં, નંદકુમારં, નિરખ્યારી,
કહે રાધે પ્યારી ,હું બલિહારી ,ગોકુળ આવો ગિરિધારી.
તેઓ ગોહિલવાડના રાજકવિ હતા પરંતુ રાજમાં આવનારા અન્ય કવિઓને રાજમાંથી ભેટ મળી હોય છતાં પોતે પણ ભેટ અર્પણ કરી પછી જ વિદાય આપતા. તેવા ભક્ત કવિ અને દાતાર તરીકે પણ જાણીતા હતા.
ભાવનગર સ્ટેટ તરફથી તેઓને ૧૦ સાંતિનું શેઢાવદર (તા. ભાવનગર) ગામ આપેલુ. એક વખત ખળાટાણીમાં તેઓ શેઢાવદર ગયેલા. ખેડૂતના અને પોતાના ભાગની વહેંચણી થઈ, ત્યાં કોઈક માગણીયાત આવી ચડ્યા. તેઓને પોતાના ભાગમાંથી દાણા આપવા ખેડૂતને જણાવ્યું. ખેડૂતે માગણીયાતના ફાળિયામાં થોડું અનાજ નાખ્યું. પિંગળશી બેઠા બેઠા જોયા કરે અને ખેડૂતને કહે ’એલા મારા ભાગમાંથી દેતાંય કા તારો જીવ ન હાલે?’ તુરંત જ તેઓ ઊભા થયા. ફાળિયું સરખું પથરાવ્યું અને અનાજના ઢગલામાંથી આડે હાથે બે-ચાર છલાકુ મારી. ફાળિયામાં ન સમય એટલો ઢગલો થયો. સાથે-સાથે આંગળીમાં પહેરેલો સોનાનો વેઢ પણ સરીને ફળિયામાં જઈ પડ્યો ખેડૂત કહેઃ ’ બાપુ, ફળિયામાં વેઢ પડી ગયો’ પીંગળશીબાપુ કહેઃ ’ભલે ગયો. એના ભાગ્યનો હશે’.
આ રાજકવિ છંદ ચર્ચરીમાં લખે છે :
ઉત્તમ અધિકાર આપ, મેરુ સમ ભયા માપ,
પુર્વ પુન્યકા પ્રતાપ વૈભવ પાયા, શિર ધરના સૂમ છાપ, વિપત્તિ હરિ લે વિલાપ,
મત કર સંતાપ પાપ જૂઠી માયા,
બસ્તી સબ કહત બાપ, સ્થિર કર મન,
ધર્મ સ્થાય, જપ તું નિત અલખ જાપ, ધીરજ ધારી,
તજી દે અભિમાન તાન, મેરા તું કહ્યા માન,
અંતે છુટ જાત પ્રાન જૂઠી યારી……
આ શેઢાવદર ખાતે જ મલેક જમાદારનાં છોકરાં દૂઝણાં વિનાના ન રહે માટે ગોવાળને કહે આજે ભેંસો દોહીશ નહિ. બોધરું ઓસરીની કોરે મેલી દે અને ભેંસને શિંગડે ધી ચોપડ. પછી તું ભેંસ અને બોઘરું લઈને મલેક જમાદારના ઘરે જા. ત્યાં ભેંસ બાંધતો આવજે અને બોઘરું પણ ત્યાં જ મૂકતો આવજે. નહીંતર ભેંસ દોશે શેમાં? રૈયતની ચિંતાવાળા આવા આ રાજકવિ હતા.તેઓના જીવનમાંથી માનવતાના અનેક પ્રસંગો મળી આવે છે. ગુજરાત રાજ્ય સરકારએ શાળાકીય પાઠ્યપુસ્તકમાં સમાવેલ એક ગઝલઃ
ગજબ હાથે ગુજારીને, પછી કશી ગયાથી શું; મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું..ટેક દુઃખી વખતે નહીં દીધું, પછી ખોટી દયાથી શું..૧ સુકાણા મોલ સૃષ્ટીના,પછી વૃષ્ટી થયાથી શું
વિચાર્યુ નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું; જગતમાં કોઈ નવ જાણે, જનેતાના જાણ્યાથી શું..૨
દેવીપુત્ર તરીકે તેઓએ ભગવતી ચામુંડા માતાજી તથા આઈશ્રી ખોડિયારની વંદના પણ કરી છે, જે ખુબ જ લોકપ્રિય છે. બહોળો રોટલો, પહોળો હાથ, વિશાળ હૃદય અને સૌની સાથે એકજ ભાવ, એક જ બોલ, સૌને એક જ આસન, સૌની સાથે એક જ વર્તન, ન દિલચોરી, ન વિવેકમાં વધઘટ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કહે છે કેઃ “અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણનું ગરવું ગંભીર વ્યક્તિત્વ એમણે એકેય કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા બસ હતું.’’ એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંછનારને પણ ખમા કહેનારી એમની મનમોટપ, એની વાતો ધણાં ધણાં હૃદયોમાં સંઘરાઈને પડી રહેશે. એમના પ્રભુભક્તિનાં પ્રેમલક્ષણયુક્ત પદો અત્યારે મીરાં, નરસિંહ, જીવણ આદિ સંતોની વાણીની સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યા છે. ભક્ત હૃદય ભડ પુરુષ સવારે બપોરે ડેલીની ચોપાટમાં બેઠા હોય; હું જઈ ઊભો રહું, જૂની માહિતીઓ માગું, તેના જવાબમાં ઘન ગંભીર કંઠે ‘હા…આ…આ!’ એવો અવાજ કરી, આંખ સંકોડી, યાદ શક્તિને ઢંઢોળી, પછી વાતો કરે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડે; એ મનોમૂર્તિ નખશિખ મોજુદ છે.’’
મહાકવિ નાનાલાલે અને મેઘાણીજીએ તેમને ‘લાસ્ટ મીનસ્ટ્રલ’ એટલે કે મધ્યયુગનો છેલ્લો સંસ્કારમૂર્તિ ચારણ કહ્યા છે. ઉપરાંત તેઓને અનેક બિરૂદો મળ્યા છે. ચારણ હિતવર્ધક સભાના પાયાના પથ્થરો પૈકીના એક તેઓ ‘ક્રુષ્ણકુમારસિંહજી ચારણ બોર્ડિગ, ભાવનગરના સ્થાપક પણ છે.
રાજકવિશ્રી પિંગળશીભાઇ નરેલાએ મહાત્મા ઈસરદાસજીના ‘હરિરસ’ ગ્રંથનું સંપાદન ઉપરાંત શ્રીકૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, તખ્ત પ્રકાશ, ભાવભુષણ, પિંગળ કાવ્ય ભાગ-૧ અને ભાગ-૨, સુબોધ માળા, ઈશ્વર આખ્યાન, પિંગળ વીર પૂજા, સુજાતા ચરિત્ર અને સપ્તમણી તથા સત્યનારાયણની કથા પુસ્તકોની રચના કરી હતી. ભાવનગર શહેર ખાતે વડવા, પાનવાડી રોડ પર આજે પણ પિંગણશીબાપુની ડેલી આવેલી છે. તેઓની વિદાય ઈ.સ. ૧૯૩૯માં થઈ હતી. રાગદ્વેષથી મુક્ત, માનવ પ્રેમ અને ઈશ્વરભક્તિથી રંગાયેલા જ્ઞાની હૃદયના કવિરાજનું ઋણ સ્વિકારવા માટે ગત વર્ષે ભાવનગર મહાનગરપાલિકા આયોજીત શહેરના ૨૯૬માં જન્મદિવસની ઉજવણી સંદર્ભે આયોજીત ‘ભાવેણા ભાવોત્સવ-૨૦૧૮’ રાજ કવિ સ્વ. પીંગળશીભાઈ ગઢવી (નરેલા)ને સમર્પિત કરવામાં આવ્યો હતો.