સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્ર પૂજન તેમજ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ સહીતનાં કાર્યનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે સિહોરનાં દરબાર ગઢ ખાતે માતાજીના દર્શન કરી શોભાયાત્રા સ્વરૂપે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સ્થળ સિહોરના ટાઉનહોલ ખાતે પહોંચી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રાનું સિહોરની મેઈન બજારમાં દરેક જ્ઞાતિના લોકોએ સ્વાગત કર્યું હતું. સિહોર ક્ષત્રિય સમાજનાં પ્રમુખ શ્રી કે.ડી.ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં વરલ સ્ટેટ ઇન્દ્રવીજય સિંહ રાઓલનાં હસ્તે શસ્ત્ર પૂજન વિધિ રાખવામાં આવી હતી. સાથોસાથ તેજસ્વી તારલાઓને અને ઉચ્ચ હોદા પ્રાપ્ત કરનાર સમાજના ભાઈઓ,બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સિહોર શહેર તેમજ તાલુકાના તમામ ગામોમાંથી સમાજના વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને રાજકીય, સામાજિક આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.