કુદરતની મહેરબાનીથી ચાલુ વર્ષે ચોમાસામાં બોરતળાવ પાણીની પુર્ણ સપાટીએ ભરાતા છલકાયું છે. આ સાથે વિવાદોથી પણ બોરતળાવ છલોછલ થયુ હોય તેમ શાસક – વિપક્ષના દાવા – પ્રતિદાવા અને આક્ષેપો વચ્ચે રાજકારણ થઇ રહ્યું છે. બીજીબાજુ મંગળવારે મ્યુ.તંત્ર દ્વારા ડુબની જમીનોમાં દબાણોનો ડ્રોન કેમેરાથી સરવે કરવામા આવ્યો હતો. જે તાંત્રિક નોંધ બાદ જાહેર કરાશે. મેઘરાજાની મહેરથી બોરતળાવ છલકાયું છે ત્યાં દુઃખી શ્યામબાપા મંદિર પાસેના વેસ્ટવિયરના દરવાજા ખુલ્લી જતાં વિવાદ થયો છે અનેબોરતળાવને ખાલી કરવાનો કારસો હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલે પુનઃ દોહરાવ્યો છે. વેસ્ટવિયરમાંથી મોટી માત્રામાં વહી જતું પાણી તેમના આક્ષેપમાં તથ્ય હોવાનું સાબિત કરે છે તો બીજીબાજુ બોરતળાવમાં પાણી વધતા વેસ્ટવિયરમાંથી પાણી વહી જતું હોવાનો દાવો કરી આક્ષેપનું ખંડન કરવામા આવ્યું છે. શાસક અને તંત્રએ વિપક્ષના આક્ષેપ સામે એક સુર થઇ ખંડન કરવા પ્રયાસ કર્યો છે. આમ, દાવા પ્રતિદાવા વચ્ચે બોરતળાવ વિવાદોથી પણ છલોછલ થયું છે. બોરતળાવની એચએફ એલની હદમાં બાંધકામો અને દબાણોને નુકશાન ન થાય તે માટે બોરતળાવને પુર્ણ સપાટીને ન ભરવા દઇ ખાલી રાખવાનો કારસો હોવાનો આક્ષેપ કાયમ રહ્યો છે. આ સંજોગોમાં મ્યુ.તંત્ર દ્વારા ગઇકાલે ડ્રોન કેમેરા વડે સરવે કરી ડુબની જમીનમાં કયાં કેટલા દબાણો તેની જાણકારી મેળવાઇ હતી. જો કે, ડ્રોન કેમેરાના સરવે પૂર્વે બોરતળાવમાં અનેક સંસ્થા અને વ્યકિતગત દબાણો હોવાનું ખુદ તંત્ર કબુલી ચુક્યું છે ત્યારે તે દબાણો હટાવવાની કાર્યવાહી કરવાના બદલે ડ્રોન કેમેરાના સરવેનું ગતકડું કરવામા આવ્યું છે. હકીકતમાં ભાજપના શાસકો અને તંત્રવાહકો ખુદ આ દબાણો પોષી રહ્યાં હોય તેમ કોઇ કાર્યવાહી થતી જ નથી. તે પણ એટલું જ સત્ય છે.