અમદાવાદ શહેરમાં માર્ગો પર આડેધડ અને કોઇપણ ધારાધોરણ કે નોર્મ્સનું પાલન કર્યા વિના ઉભા કરાયેલા બમ્પ અને સ્પીડબ્રેકરના મામલે આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. હાઇકોર્ટે સરકાર અને અમ્યુકોની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, શહેરમાં સ્પીડબ્રેકરના મુદ્દે કોઇ નોર્મ્સ કે ધારાધોરણનું પાલન થતું જણાતું નથી, આડેધડ બમ્પ અને સ્પીડબ્રેકર ઉભા કરી દેવાય છે, જેમાં ઘણા એવા જોખમી બમ્પ અને સ્પીડબ્રેકર હોય છે કે જેના કારણે વાહનચાલકો-નાગરિકોને ઇજા પહોંચે છે. આવા બમ્પ-સ્પીડબ્રેકરથી ઘણીવાર ગંભીર અકસ્માત પણ સર્જાતા હોય છે. આ સંજોગોમાં શહેરમાં જે કોઇ જોખમી કે નિયમ વિરૂધ્ધના બમ્પ કે સ્પીડબ્રેકર હોય તે તાકીદે દૂર કરવા અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને નિર્દેશ કર્યો હતો. વધુમાં, આગામી પંદર દિવસમાં સ્પીડબ્રેકરના મુદ્દે વિગતવાર અહેવાલ સાથેનો જવાબ રજૂ કરવા રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો હતો. શહેરમાં જોખમી બમ્પ અને સ્પીડબ્રેકરના કારણે એક મહિલાને થયેલી ગંભીર ઇજા અંગે ગુજરાત હાઇકોર્ટને ઉદ્દેશીને લખાયેલા એક પત્રના આધારે હાઇકોર્ટે કેસની સુનાવણી હાથ ધરી હતી અને શહેરમાં જોખમી બમ્પ અને સ્પીડબ્રેકરના મુદ્દે અમ્યુકો અને સરકારના સત્તાવાળાઓ પાસેથી સાચી વિગતો માંગી હતી. હાઇકોર્ટે અમ્યુકો અને સરકારના સત્તાવાળાઓની ટીકા કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આડેધડ બમ્પ અને સ્પીડબ્રેકર ઉભા કરાવાના કારણે માર્ગો પર અકસ્માત અને વાહનચાલકોને ઇજા થવાની સંભાવના ઘણી વધી જાય છે. કેટલાક કિસ્સામાં આવા જોખમી બમ્પ કે સ્પીડબ્રેકરને લઇ ગંભીર અકસ્માત સર્જાયા હોવાની અને લોકોને ઇજા થઇ હોવાની હકીકત પણ સામે આવી છે, જે કમનસીબ કહી શકાય. હાઇકોર્ટે શહેરમાંથી આવા જોખમી અને બિનજરૂરી બમ્પ કે સ્પીડબ્રેકર તાકીદે દૂર કરવા પણ અમ્યુકો સત્તાવાળાઓને તાકીદ કરી હતી. હાઇકોર્ટે ઇન્ડિયન રોડ કોંગ્રેસના નિર્દિષ્ઠ માપદંડોનું શા માટે પાલન થતું નથી તે અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે અમદાવાદ શહેરના તમામ બમ્પ અને સ્પીડબ્રેકર્સનો સર્વે કરવા આદેશ કર્યો હતો અને નિયમ વિનાના, ગેરકાયદેસર બનાવાયેલા અને જોખમી બમ્પ કે સ્પીડબ્રેકર હટાવી લેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૨જી એપ્રિલના રોજ મુકરર કરી હતી.