સુરતના કામરેજ વિસ્તારમાં પોલિયોની રસીથી બે બાળકોનાં મોત થયા હોવાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. કામરેજ વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં બે જોડિયા બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. જે બાદ તેઓને તાવ આવ્યો હતો. અને બાદમાં તેમનાં મોત નિપજ્યા હતા. આ મામલે જોડિયા બાળકોનાં માતા પિતાએ ફોરેન્સિક તપાસની માગ કરી છે.
જોડિયા બાળકોનાં માતા પિતાએ આક્ષેપ કર્યો કે, ડોક્ટરની બેદરકારીને કારણે તેમના લાડકવાયાના મોત થયા છે. તેઓએ કહ્યું કે, અમે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ બાળકોને લઈ રસી આપવા ગયા હતા. ડોક્ટરે કહ્યું કે, તાવ આવે તો ગભરાતાં નહીં. પણ થયું જ એવું, બાળકોને તાવ આવી ગયો. તેઓ રાત્રે સૂઈ ગયા. પણ સવારે ઉઠ્યા જ નહીં.
રસી આપ્યા બાદ બંને બાળકોનાં મોત થતાં માતા પિતાએ આ મામલે ફોરેન્સિક તપાસની માગ કરી છે. તો જ્યાં સુધી ફોરેન્સિક રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સાથે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે. તો આ મામલે કામરેજના ધારાસભ્યએ પણ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. તો આ મામલે ડોક્ટરે કહ્યું કે, આ મામલે હાલ કાંઈ પણ કહેવું વહેલું ગણાશે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે.