આણંદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરનાં ખાડ વિસ્તારમાં રહેતા સૌરભભાઇ ઠક્કર રહે છે. તેમના લગ્ન સંધ્યાબેન સાથે થયા હતાં. જેમાં તેમને ૭ વર્ષની દીકરી અને ૫ વર્ષનો પુત્ર છે. સંધ્યાબેને અને સૌરભભાઇનાં એક વર્ષ પહેલા જ છૂટાછેડા થયા હતાં. જે બાદ નક્કી થયું હતું કે બંન્ને બાળકો પિતા એટલે સૌરભભાઇ પાસે રહેશે. પરંતુ બીજા ધોરણમાં ભણતી દીકરી જ્યારે સ્કૂલેથી ઘરે વાનમાં આવી હતી ત્યારે જ માતા સંધ્યાબેને તેનું અપહરણ કર્યું હતું. જે અંગે સૌરભભાઈએ સંધ્યાબેન સહિત ચાર જણ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી પ્રમાણે છોકરી હાલમાં લાંભવેલની સૃષ્ટી ઈંગ્લિશ મિડીયમ સ્કૂલમાં ધો. ૨માં અભ્યાસ કરે છે અને પુત્ર જીયાન વિદ્યાનગર ખાતે જુનીયર કેજીમાં અભ્યાસ કરે છે. દીકરી સવારે ૭ વાગે સ્કુલ ગઈ હતી. બપોરે જ્યારે આ છોકરી સ્કૂલેથી વાનમાં આવી ત્યારે તેને બુરખો પહેરીને આવેલી મહિલાઓ ઉઠાવીને કારમાં બેસાડી દીધી હતી. જે કારમાં અન્ય બે પુરુષો પણ બેઠા હતાં. આ ઘટના દરમિયાન સૌરભભાઇ બહાર ગયા હતાં. તેમને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ’છૂટાછેડા લીધેલી પત્ની સંધ્યાનો ફોન આવ્યો હતો. જેમાં તેણે યાત્રી સાથે વાત કરાવી હતી.જેમાં દીકરીએ કહ્યું હતું કે હું મમ્મી સાથએ વેકેશનમાં જઉં છું. થોડા દિવસમાં આવી જઇશ. સંધ્યા સાથે હિમાંશુ રાણા નામનો વ્યક્તિ પણ હતો.’