ભાદર-૧ સિંચાઇ યોજનામાંથી ખેડૂતોને સિંચાઇ માટે પુરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ જેતપુરની ભાદર કેનાલ પર જઇ રામધૂન બોલાવી હતી અને રબા રમીને વિરોધ નોંધાવ્યો હતો. જે બાદમાં પોલીસે ખેડૂત સમાજના આગેવાનોની ધરપકડ કરી હતી. ભાદર-૧ સિંચાઇનું પાણી ખેડૂતોન સાથે સાથે રાજકોટ કોર્પોરેશન પીવા માટે આપવામાં આવે છે. આ અંગે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે માહિતી આપતા ખેડૂત સમાજના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ચેતન ગઢીયાએ જણાવ્યુ હતું કે, ભાદર-૧ ડેમની યોજનાનું બાંધકામ સંપૂર્ણ ઝીરો લેવલ સુધી સિંચાઇના હેતુ માટે થયું છે. જેમાંથી ગોંડલ-જેતપુર-ધોરાજી-ઉપલેટા- વડિયા-જૂનાગઢ વગેરે તાલુકાના અંદાજીત ૬૪ ગામના ખેડૂતોને અને ટીબીસી નીચે ૧૫ ગામના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે. અંદાજીત ૨૬૮૪૦ હેક્ટર જમીન મુખ્ય નહેરમાંથી અને ૧૨૦૦ હેક્ટર જમીન ટીબીસી હેઠળ સિંચાઈ માટે પાણી મેળવે છે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, સિંચાઇ યોજના માટે પાણી હોવા છતાં રાજકોટ કોર્પોરેશનને અહીંથી પાણી આપવામાં આવે છે. અમારી માંગણી છે કે આ બંધ કરવામાં આવે. હાલ રાજકોટ કોર્પોરેશન પીવાનું પૂરતું પાણી આજી-ન્યારી વગેરે ડેમો તેમજ સૌથી યોજના દ્વારા મળી રહે છે. જેથી ભાદર-૧ સિંચાઇ યોજનાનું પાણી આપવું યોગ્ય નથી. રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં યોજનાનું અંદાજીત રૂ. ૪૫ કરોડનું બિલ પણ ચુકવવામાં આવ્યું નથી. બીજી તરફ સિંચાઇ માટે ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં રૂપિયા લઇ લેવામાં આવે છે.