ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું છે કે સુરક્ષિત દીકરી સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યની દીકરીઓને વધુ સુરક્ષા પુરી પાડવા માટે તથા આત્મરક્ષણ માટેની યુક્તિઓ શીખવવા મહિલા આયોગ દ્વારા ‘કવચ’ કાર્યક્રમનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના દ્વારા દીકરીઓને આત્મરક્ષણની તાલીમ સહિત માર્ગદર્શન અપાશે. આજે ગાંધીનગર ખાતે ‘કવચ’ કાર્યક્રમનો શુભારંભ કરાવતા લીલાબેન અંકોલીયાએ કહ્યું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહિલાઓને વધુ સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કર્યો છે. એ માટે આ કાર્યક્રમ ચોક્કસ મહત્વનો પુરવાર થશે. રાજ્યની તમામ શાળાઓમાં દીકરીઓને કવચ કાર્યક્રમ અંતર્ગત આત્મરક્ષણની તાલીમ અપાશે.
તેમણે ઉમેર્યુ કે, આજના સમયમાં દીકરીઓએ આત્મરક્ષણની યુક્તિઓ શીખવી આવશ્યક છે. રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં અનેક ક્રાંતિકારી પગલાંઓ લઇને મહિલાઓનાં સામર્થ્યમાં અપ્રતિમ વધારો કર્યો છે. જુદી જુદી સંભવિત અસુરક્ષિત પરિસ્થિતિઓ વિશે જાગૃતતા વધે અને દીકરીઓ પર અચાનક થતાં શારીરિક હુમલા સમયે કેવી રીતે સામાન્ય જાગૃતતાથી સામનો કરવો એ વિશેની આત્મરક્ષણની યુક્તિઓ શીખવવા ‘કવચ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
’આ પ્રસંગે મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે જણાવ્યુ હતું કે ગુજરાત મહિલા આયોગ અને ગુજરાત પોલિસના સહયોગથી શાળાઓમાં દીકરીઓને વધુ સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી ‘ગુડ ટચ-બેડ ટચ’ની સમજણ અપાશે. વડોદરાના ડી.સી.પી. સરોજકુમારીએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાંથી શાળાઓ દીઠ બે શિક્ષકોને પસંદ કરી વિશેષ તાલીમ અપાશે જે ‘કવચ’ની ટીમના માર્ગદર્શન હેઠળ શાળાની દીકરીઓને આત્મરક્ષણની તાલીમ આપશે. આ કાર્યક્રમમાં સુરક્ષા ટીપ્સ આપતી ‘કવચ’ બુકલેટનું લોન્ચિંગ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ વિણાબેન પટેલ, ઉપસચિવ પ્રેરક પટેલ, અધિકારીઓ-કર્મચારીઓ સહિત વડોદરાની નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળાની સેલ્ફ ડિફેન્સ ટીમ ઉપસ્થિત રહી હતી.