જુનાગઢ શહેરમાં આવેલો ગીર સાસણ સફારી પાર્ક વરસાદના કારણે ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્યો હતો. જેને ૧૬મી ઓક્ટોબરથૂી ખુલ્લો મૂકવામાં આવશે. વનવિભાગ દ્વારા પાર્ક અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી પ્રવાસીઓને પાર્કની મુલાકાત લેવા માટે ઓનલાઈન પરમીટ લેવી પડશે.
સિંહના સંવનન કાળ અને વરસાદના કારણે ગીર સાસણ સફારી પાર્ક ૪ મહિના માટે બંધ રખાયો હતો. જે આગામી ૧૬ ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. હવેથી સાસણ આવતાં પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમીટ કઢાવવી પડશે. ઉલ્લેખનીય છે કે, મેંદરડા સાસણ વચ્ચે આવેલો પુલ થોડા દિવસ અગાઉ ધરાશાયી થયો હતો. જેથી સાસણ આવતાં પ્રવાસીઓને ૨૦ કિલોમીટર વધુ અંતર કાપવું પડતુ હતું. જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. છતાં પણ પ્રવાસીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો.