ખેડા જિલ્લાના નડિયાદ રેલ્વે સ્ટેશન પાસે એક કરૂણ બનાવમાં, આજે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની હડફેટે એક બાળકી અને બે મહિલા સહિત ત્રણના કમકમાટીભર્યા મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને બે મહિલા અને બાળકીના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં રેલ્વેના અધિકારીઓ, પોલીસ સ્ટાફ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. મૃતકોમાં એક મહિલાની ઉમંર ૫૦ વર્ષ, બીજી મહિલાની ઉમંર ૪૦ વર્ષ અને બાળકીની ઉમંર અઢી વર્ષની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આજે બપોરે ૧-૫૦ મિનિટે ગુજરાત એકસપ્રેસ ટ્રેન મુંબઇથી અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પાસે એક ગોઝારી ઘટના બની હતી. ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતાં બે મહિલા અને એક બાળકીનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને નાની બાળકી અને બે મહિલાના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો, આરપીએફની ટીમ, સ્ટેશન માસ્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી. તેથી પોલીસે મૃતકોની ઓળખ અને તેમના પરિજનોને જાણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ એક માત્ર અકસ્માત હતો કે, આત્મહત્યા હતી તે સહિતની આશંકાના આધારે પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પાસે બનેલી આ ઘટનાને લઇને રેલવે તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો હતો. રેલવે દ્વારા પણ આ સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના કારણને લઇને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેન પુર ઝડપે આવી રહી હતી અને બે મહિલાઓને ટ્રેનની ગતિ અંગે જાણ ન થઇ તે બાબત પણ ભારે આઘાત પહોંચાડે તે પ્રકારની છે. આ પ્રકારના અકસ્માતો વારંવાર થતાં રહે છે. છતાં પણ તંત્ર દ્વારા માનવ વગરના રેલવે ફાટકો ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. બીજી બાજુ સામાન્ય લોકો પણ ભારે બેદરકારી દાખવીને જોખમ લઇને રેલવે ક્રોસિંગ પાર કરતા રહે છે. વારંવાર આ સંદર્ભમાં ચેતવણી પણ જારી કરવામાં આવે છે પરંતુ ટ્રેનની અડફેટે આવવાના બનાવો બનતા રહે છે.