ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટે આજે ૧૦૦ રૂપિયાની પ્રતિકિંમતમાં પાંચ કરોડ શેરના બાયબેકની જાહેરાત કરી હતી. આના પરિણામ સ્વરુપે કંપની પર ૫૦૦ કરોડ સુધીનો ખર્ચ આવશે. બાયબેકની કિંમતો વર્તમાન શેર કિંમતો કરતા બે ગણી વધારે છે. હાલની શેરની કિંમત ૪૩.૪૦ રૂપિયાની આસપાસ છે. રેગ્યુલેટરી ફાઈલિંગમાં ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાના બાયબેકની દરખાસ્તને લીલીઝંડી આપીદીધી છે. આની સાથે જ પાંચ કરોડ સંપૂર્ણપણે ચુકવવામાં આવેલા ઇક્વિટી શેર બાયબેક કરવામાં આવનાર છે જે અંદાજે ૧૧ ટકાના કુલ પ્રવર્તમાન પેડઅપ ઇક્વિટી કેપિટલ બરોબર છે. બાયબેકની પ્રક્રિયા ટેન્ડર ઓફર રુટ મારફતે હાથ ધરવામાં આવનાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા જાહેર કરવામાં આવેલા કાયદા મુજબ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તમામ પ્રવર્તમાન અને લાયક હોલ્ડરો અને ઇક્વિટી શેરના લાભ મેળવનાર લોકો પ્રાથમિકતાના આધાર પર આમા ભાગ લઇ શકે છે. બોર્ડ દ્વારા બાયબેક સમિતિની રચના કરવામાં આવી ચુકી છે જેને આ પ્રક્રિયાને અમલી કરવા અને નજર રાખવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. વર્તમાન શેર હોલ્ડિંગ મુજબ પ્રમોટરો ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટમાં ૨૩.૩૬ ટકાનો હિસ્સો ધરાવે છે જ્યારે બેંગ્લોર સ્થિત એમ્બેસી ગ્રુપ ૧૪ ટકા હોલ્ડિંગ ધરાવે છે. ગુરુવારના દિવસે એમ્બેસી ગ્રુપના સીએમડીએ કહ્યું હતું કે, આ કંપનીમાં તેની હિસ્સેદારી વધારવાની તેની કોઇ યોજના નથી. ઇન્ડિયા બુલ્સની નવી જાહેરાત તમામને આકર્ષિત કરી શકે છે.