શેરબજારમાં આજે લેવાલી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૪૭ પોઇન્ટ ઉછળીને ૩૮૧૨૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસના શેરમાં ચાર ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો જ્યારે યશ બેંકના શેરમાં ત્રણ ટકાની આસપાસનો ઘટાડો રહ્યો હતો. સેશન દરમિયાન ઇન્ડેક્સ ક્રમશઃ ૩૮૩૪૫ અને ૩૭૭૩૭ની ઉંચી અને નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૩૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૭૮૧ રહી હતી. જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ ૪૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૭૭૨ રહી હતી. એનએસઈમાં હેડલાઈન ઇન્ડેક્સ ૬૭ પોઇન્ટ ઉછળીને ૧૧૩૦૧ની સપાટીએ રહ્યો હતો. એનએસઈમાં નિફ્ટીમાં ઉંચી સપાટી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો મિડિયા અને પ્રાઇવેટ બેંક સિવાયના તમામ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૨૭ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૩૩૫ રહી હતી. એશિયન શેરબજારમાં આજે તેજી રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતની અસર શેરબજારમાં જોવા મળી હતી. ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ચીનના ટોપ વેપાર મંત્રણાકારો સાથે મળનાર છે. સમજૂતિ માટે આશાવાદી પણ છે. અટવાઈ પડેલી વાતચીતને આગળ વધારવા માટે ઇચછુક છે. યુરોપિયન શેરબજારમાં પણ તેજી જારી રહેવાની સંભાવના છે. એશિયા પેસિફિકના શેરમાં પણ આજે પ્રવાહી સ્થિતિ રહી હતી. જાપાનના નિક્કી સ્ટોક ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. ચીનના બ્લુચીપમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. કોમોડિટીની વાત કરવામાં આવે તો તેલ કિંમતોમાં બે ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. કારણ કે, ઇરાનિયન સમાચાર સંસ્થાએ કહ્યું છે કે, સરકારી તેલ ટેન્કર પર સાઉદી નજીક રેડ શીમાં બે મિસાઇલો ઝીંકવામાં આવી હતી જેથી સપ્લાય પર ફરી એકવાર અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન ઇન્ફોસીસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર અને ભારતી એરટેલના શેરમાં તેજી રહી હતી. આ તમામ બેંચમાર્ક ઇન્ડેક્સમાં તેજીનો માહોલ રહ્યો હતો. વધુમાં વૈશ્વિક બજારોમાં પણ તેજી રહેતા રોકાણકારો ફરી એકવાર આશાવાદી દેખાઈ રહ્યા છે. આજે કારોબાર દરમિયાન ઇન્ડસ્ટ્રી હેવીવેઇટ ગણાતા શેરમાં લેવાલી જામી હતી. યશ બેંકના શેર પર હાલમાં તમામની નજર કેન્દ્રિત થયેલી છે. કારણ કે, યશ બેંકના શેરમાં ભારે ઉથલપાથલ રહી છે. આજે ત્રણ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં હાલની સ્થિતિને જોતા રોકાણકારો વધુ નાણા ઠાલવવાની સ્થિતિમાં નથી. દિવાળી નજીક છે ત્યારે સોના અને ચાંદીમાં રોકાણ કરવામાં કારોબારીઓ ઇચ્છુક છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે અનિશ્ચિતતાના માહોલમાં સોના અને ચાંદીની કિંમતમાં રોકાણ વધુ નાણાં અપાવી શકે છે. ધનતેરસ સુધી સોનાની કિંમતમાં દબાણની સ્થિતિ વચ્ચે ૪૦૦૦૦થી વધુનો આંકડો પહોંચી શકે છે. પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં પણ પ્રવાહી સ્થિતિ છે.