રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને પોલીસદળમાં ફરજ બજાવતા રોનકભાઇ રહીમભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલુ ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે તેઓની સાથે લોકરક્ષક દળનાં ઇંદ્રજીતસિંહ બંને જાપ્તાની ફરજમાં હતા અને જેલ ખાતે ગયા હતાં. ત્યારે ડીસીબીમાં મેં મહિનામાં નોંધાયેલ ઠગાઈ અને ધમકી આપવાના ગુનામાં કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતા સંજય કિશોરભાઈ ધોળકિયા અને જયદીપ સુરેશભાઈ પરમારની કોર્ટની મુદત હોવાથી તે બંનેને પોતાની ખાનગી કારમાં હાથકડી પહેરાવીને ચીફ કોર્ટમાં લઇ ગયા હતાં. ત્યાં બીજી મુદત પડતા બંનેને ફરીથી હાથકડી પહેરાવી કારમાં બેસાડી જેલ ખાતે મુકવા જતા હતાં. ત્યારે કોઠી કમ્પાઉન્ડ પાસે પહોંચતા જ જયદીપ પરમારને ઉબકા આવવા લાગતા ઊલટી કરવાનું કહેતા કાર ઉભી રાખી હતી તેને ઊલટી કરવા માટે હાથકડી ખોલતા જ તે ધક્કો મારી કોઠી કમ્પાઉન્ડમાં ભાગી ગયો હતો. જેથી કાર મારફતે તેનો પીછો કર્યો હતો પરંતુ તે ક્યાંય મળી આવ્યો ન હતો.
આ સાથે જ જણાવ્યું હતું કે અમારી સાથે રહેલ સંજય ધોળકિયાએ જયદીપ પરમારનું પીપળીયા હોલ પાસેનું ઘર જોયું હોય ત્યાં જઈને ચેક કરતા ત્યાં પણ મળી આવ્યો ન હતો. તેની મોબાઈલની દુકાને પણ તપાસ કરી હોવા છતાં નહિ મળી આવતા અંતે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.