વાંકાનેર મામલદતદાર કચેરીમાં અંદર નાયબ મામલતદારની મહેફિલ ચાલી રહી હતી ત્યારે એક નાયબ મામલતદારની પ્રેમિકા પહોંચી હતી અને ‘મહેફિલ’નું શૂટિંગ કરી પૂરી કચેરીને માથે લીધી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના જાહેર થતાં પ્રાંત અધિકારીએ તપાસના આદેશ કરતાં આ પ્રકરણમાં આગામી દિવસોમાં અધિકારીઓના તપેલાં ચડી જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.દારૂબંધીમાં સરેઆમ સરકારી કચેરીઓમાં જ દારૂ પીવાય છે. મામલતદાર હર્ષદ પરમાન, નાયબ મામલતદાર વી.વી.ડૂંડનો વીડિયો વાઈરલ કર્યો છે જેમાં કચેરીમાં જ મદીરાની મહેફિલ માણતા મામલતદારો ઉપર મહિલાએ રેડ પાડી છે અને આખી કચેરીને ફંફોસી નાંખી છે.
મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોતે ત્યક્તા છે અને નાયબ મામલતદાર ડુંડ સાથે ૧૫ વર્ષથી સંબંધ ધરાવે છે. ડુંડે મકાન સહિતની મિલકત પણ ખરીદી આપી હતી. મહિલાએ ત્યારબાદ કચેરીના તમામ કબાટ ખોલાવ્યા હતા અને કબાટમાંથી બોટલ અને ગ્લાસ કાઢી કચેરીમાં દરરોજ મહેફિલ થતી હોવાનો આરોપ મુક્યો હતો.
મહિલાએ મામલતદાર કચેરીમાં જઇને નાયબ મામલતદાર ડુંડ તથા પરમારને ઊધડો લીધા બાદ જણાવ્યું હતું કે, ‘તમે શું ગોરખધંધા કચેરીમાં કરો છો તેની મને જાણ છે’તેમ કહી મહિલા કચેરીમાં ફરી વળી હતી અને કચેરીમાં રહેલા તમામ કબાટ અને ટેબલના ખાના ખોલાવ્યા હતા, કેટલાક કબાટ ખોલાવવા પરાણે ચાવી લીધી હતી. મહિલાએ અડધો કલાક સુધી કચેરીમાં ધમાલ કરી હતી, પરંતુ તેને અટકાવવાની હિમ્મત કોઇ કરી શક્યું નહોતું.