બે એસટી બસ સામસામે ધડાકાભેર અથડાઇ, ૪૦થી વધુ લોકો ઘાયલ

815

મોરબી જિલ્લાના વાંકાનેરના ખેરવા ગામ નજીક રાજ્ય સરકારની બે એસટી બસ એક બીજા સાથે સામસામે ધડાકાભેર અથડાઇ હતી. આ જીવલેણ અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સદ્દનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઇનું મોત નિપજ્યું નથી, પરંતુ એસટીના ડ્રાઇવર સહિત ૪૦થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી પોલીસને આપતા વાંકાનેર તાલુકા પોલીસ અને એસટી બસના ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

મોરબીના ખેરવા ગામ નજીક બે એસટી બસ વચ્ચેનો અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, બન્ને એસટી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે જ્યારે કૅબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે કાચ તોંડવો પડ્યો છે.

અકસ્માતમાં ઘવાયેલા ૪૦થી વધુ લોકોને તાત્કાલિક ધોરણે વાકાનેર અને રાજકોટ સિવિલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આજુબાજુના ગ્રામજનો દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

છેલ્લે મળતી માહિતી પ્રમાણે, એક એસ.ટી. બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા તેથી ઇજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. બેકાબુ ચાલકે સામેથી આવી રહેલી અન્ય એસ.ટી.ને ટક્કર મારતાં મોટી દુર્ઘટના થઈ છે.

Previous articleનવા નિયમ બાદ ટ્રાફિક નિયમોનો ભંગ ૭૦ ટકા ઘટ્યો, ઓવરસ્પીડના કેસ વધ્યા
Next articleભાલકેશ્વર મહોત્સવ : ભગવાન કૃષ્ણનાં દેહોત્સર્ગ સ્થળે શિખર પર સુવર્ણ કળશ ચઢાવાશે