ભાલકાતીર્થના નૂતન મંદિર પર ધ્વજારોહણની સાથે ટોચના શિખરને આહીર સમાજ દ્વારા સુવર્ણ મંડિત કરાવાયો છે. ત્યારે ૧૧૦૦ કાર અને ૩૫૦૦ બાઈક સાથે ૨ કિમી લાંબી રથયાત્રા દ્વારકાથી પ્રસ્થાન કરાવવામાં આવી છે. આ રથયાત્રા ૧૨ ઓક્ટો.ને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. આ રથયાત્રાએ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવશે.
શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતીનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૦થી ૧૩ ઓક્ટોબર સુઘી ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ધર્મઘ્વજ રથયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે સવારે ૯ વાગ્યે દ્વારિકાથી ભાલકાતીર્થ સુધીની રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. રથમાં શ્રીમદ્ ભાગવદ્ગીતાને પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રથયાત્રા ઉપલેટા, જૂનાગઢ સહિતના ગામો-શહેરોમાંથી પસાર થઇ તા. ૧૨ ઓક્ટો.ને શનિવારે વેરાવળ થઇ ભાલકાતીર્થ પહોંચશે. તા. ૧૩ ઓક્ટો.ને રવિવારે સવારે ૮ વાગ્યાથી નારાયણયાગ યજ્ઞનો શુભારંભ થશે.