મહાબલીપુરમમાં બે મહાબલીની મુલાકાત

418

ચીનના પ્રમુખ શી જિનપિંગની બે દિવસની ઐતિહાસિક ભારત યાત્રા આજે શરૂ થઇ ગઇ હતી. જિનપિંગ તમિળનાડુના મહાબલીપુરમમાં પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ વિમાની મથકે લાલઝાજમ બિછાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિળ સંસ્કૃતિના દર્શન પણ તેમને કરાવાયા હતા. તમિળ શાસ્ત્રીય સંગીતના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કર્યા હતા. ભારત નાટ્યમના કલાકારોએ પણ તેમની સંસ્કૃતિ દર્શાવી હતી. બીજી બાજુ મોટી સંખ્યામાં બાળકોએ ભારત અને ચીનના ધ્વજ લહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ જિનપિંગ સીધીરીતે મહાબલીપુરમ ખાતે પહોંચ્યા હતા જ્યા તેમની મોદી સાથે પ્રથમ અનૌપચારિક મુલાકાત થઇ હતી. મહાબલીપુરમમાં બંને નેતાઓ વચ્ચે અનૌૈપચારિક મુલાકાતને લઇને વાતચીતની વિગતો મોડે સુધી જાહેર થઇ નહતી. આ પ્રસંગે મોદી પારંપરિક તમિળ પરિધાનમાં નજરે પડ્યા હતા. મોદીએ જિનપિંગને મહાબલીપુરમના ઐતિહાસિક સ્થળોનું ભ્રમણ કરાવ્યું હતું. એશિયાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની બેઠક શરૂ થઇ ચુકી છે. મોદી અને જિનપિંગે હાથ પકડીને હાથ ઉઠાવી મજબૂત સંબંધોને સંકેત આપ્યો હતો. બંનેએ મહાબલીપુરમના ઐતિહાસિક ત્રણ સ્મારકોનું ભ્રમણ કર્યું હતું. જિનપિંગ માટે ખાસ ડિનરનું આયોજન પણ મોડી રાત્રે કરવામાં આવ્યું હતું. મહાબલીપુરમમાં દુનિયાના બે મહાબલી એકત્રિત થયા છે જેના ઉપર દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

આ મુલાકાત અનૌપચારિક હોવાથી બંને નેતાઓ મળ્યા ત્યારે તેમના હાવભાવને લઇને કોઇ પ્રોટોકોલ આડે આવ્યા ન હતા. જિનપિંગ પણ વિશેષ કોઇ વસ્ત્રોમાં દેખાયા ન હતા. મોદીએ માર્ગ ઉપર જ ચીનના પ્રમુખની આગેવાની કરી હતી. ત્યારબાદ આગામી એક કલાક સુધી શીને મહાબલીપુરમના પ્રાચીન મંદિરો, ખાસ ઝુકેલા પથ્થરોની અનમોલ વિરાસત દર્શાવી હતી. હકીકતમાં મહાબલીપુરમના ચીનના ૧૭૦૦ વર્ષ જુના કનેક્શન રહેલા છે. મોદીએ જિનપિંગને જે ત્રણ ઐતિહાસિક સ્મારકોને દર્શાવ્યા હતા તેમાં અર્જુનની તપસ્યાવાળા સ્થળ, પંચરથ અને શૌર મંદિરનો સમાવેશ થાય છે. સાંજ પડતાની સાથે જ શૌર મંદિરમાં બંને નેતાઓએ રામાયણની પટકથાનું મંથન નિહાળ્યું હતું. આ સાંસ્કૃતિક નૃત્ય ભારતના પ્રસિદ્ધ સાંસ્કૃતિક નૃત્ય કલા ક્ષેત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેને ક્લાસીકલ ડાન્સર અને કાર્યકર રુકમણી દેવીએ ૧૯૩૬માં રચ્યું હતું. બેઠકોના દોરને લઇને હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે. ઐતિહાસિક કાળમાં આ બંને દેશો વચ્ચે વેપાર માટે સિલ્ક રુટ તરીકે પ્રયોગ કરવામાં આવ્યા બાદ મહાબલીપુરમની રોચકતા હવે વધી ગઈ છે. શી જિનપિંગ સમક્ષ સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને આ ગાળા દરમિયાન હળવાશના મૂડમાં દેખાયા હતા. જિનપિંગને ભેંટમાં તંજાવુરના પેઇન્ટિંગ સુપ્રત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોદીએ જિનપિંગને અન્નમ લેમ્પ અને નૃત્ય કરતી માતા સરસ્વતીની પેઇન્ટિંગ સુપ્રત કરી હતી. બંને નેતાઓની અનૌપચારિક બેઠક ટુંકાગાળામાં જ મળી રહી છે. આવતીકાલે શનિવારના દિવસે બંને નેતાઓ ફિશરમેનના  કોવ રિસોર્ટ ખાતે વન-ટુ-વન બેઠક યોજનાર છે. ત્યારબાદ પ્રતિનિધિસ્તરની મંત્રણા થશે. મંત્રણા બાદ મોદી જિનપિંગ માટે લંચનું આયોજન કરશે. ચીની નેતા ત્યારબાદ ૧૨.૪૫ વાગે ચેન્નાઈ વિમાની મથકે જવા રવાના થશે. બે દિવસની શિખર બેઠક દરમિયાન કુલ છ કલાક સુધી મોદી અને જિનપિંગ એક સાથે વાતચીતમાં રહેનાર છે. ૨૭ અને ૨૮મી એપ્રિલના દિવસે ગયા વર્ષે વુહાનમાં બંને નેતાઓ પ્રથમ વખત અનૌપચારિક શિખર બેઠકમાં મળ્યા હતા ત્યારબાદ સંબંધોને મજબૂત કરવા બીજી અનૌપચારિક બેઠક મહાબલીપુરમમાં થઇ રહી છે. મળેલી માહિતી મુજબ આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય, ક્ષેત્રિય અને વૈશ્વિક મહત્વના મુદ્દા પર ચર્ચા કરનાર છે. બંને દેશોના નજીકના સંબંધો રહે તેવો હેતુ રહેલો છે.

Previous articleઇડી સમક્ષ ૧૪મીએ હાજર રહેવાનો ચિદમ્બરમને હુકમ
Next articleલેભાગુ સ્કીમો દ્વારા લોકો સાથે ઠગાઈને રોકવા જરૂર