લેભાગુ સ્કીમો દ્વારા લોકો સાથે ઠગાઈને રોકવા જરૂર

425

રાજ્યના નાણાં વિભાગ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આજે ’નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની’’ પરની ‘’સ્ટેટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટી’’ની ૩૮-મી બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકમાં ઠગારી ઈનામી યોજનાઓ, લેભાગુ અને લોભામણી નાણાકીય યોજનાઓથી ટૂંક સમયમાં નાણાં રળી આપવાની યોજના બનાવીને નાણાં ખંખેરી લેતી નાણાકીય સંસ્થાઓ સામે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની દેશની પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થાઓ અને પોલીસ કઈ રીતે સખ્તાઈથી કામ કરી શકે તે અંગેની વિસ્તૃત ચર્ચા થઇ. આ સાથે સામાન્ય લોકો આ પોન્જી સ્કીમોથી છેતરાય નહિ તે અંગે જાગૃતિ કેળવવા માટે પણ ચિંતા વ્યકત કરવામાં આવી. આપણે ત્યાં નાણાકીય સજાગતા આવે અને આ પ્રકારની સ્કીમોથી લોકો દૂર રહે અથવા જો લોકો તેનો ભોગ બન્યા હોય તો ’’ધ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ, ધ પ્રાઈઝ ચીટ્‌સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ એક્ટ, ૧૯૭૮, ધ કન્ઝ્‌યુમર પ્રોટેક્શન એક્ટ, ૨૦૧૯, બૅનિંગ ઓફ અનરૅગ્યુલેટેડ ડિપોઝિટ્‌સ સ્કીમ્સ એક્ટ, ૨૦૧૯’’ – જેવા વિવિધ કાયદા હેઠળ વિવિધ સરકારી વિભાગો કાર્યવાહી જરૂર કરે છે, પરંતુ આ જુદા-જુદા કાયદાઓ વચ્ચે સાયુજ્ય સાધીને લેભાગુ અને લોભામણી સ્કીમોથી લોકોની છેતરપીંડી થતી અટકે તે દિશામાં સર્વગ્રાહી કાર્યવાહી થાય તે જરૂરી છે, તેવું રાજ્યના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં  આર્થિક ગુન્હા નિવારણ શાખા, સીઆઇડી (ક્રાઇમ) દ્વારા અત્યાર સુધીમાં આ પ્રકારના આર્થિક ગુનાઓ સામે લેવાયેલા પગલાં અંગેની માહિતી આપવામાં આવી હતી. આ બાબતે સીઆઇડી (ક્રાઇમ)ના અધિક પોલીસ મહાનિર્દેશક આશિષકુમાર ભાટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષમાં લોભામણી-છેતરામણી સ્કીમોથી સામાન્યજનને ઠગવાના ૧૩૩ કિસ્સાઓ નોંધાયા છે, જે પૈકી ૩૦ વિરુદ્ધ આરોપો ઘડી કાઢવામાં આવ્યા છે.

Previous articleમહાબલીપુરમમાં બે મહાબલીની મુલાકાત
Next articleરાહુલ ગાંધીનો દસ હજારના જામીન ઉપર છૂટકારો