શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો. ગુજરાતમાં અલગ અલગ ત્રણ સ્થળોએ અકસ્માતના બનાવ બન્યા છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. વાંકાનેરમાં બે એસટી બસ સામસામે અથડાતા બંને ડ્રાઈવર્સ સહિત ૨૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો પાટણમાં આઈસર અને મીની આઈસર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. તો વડોદરા-હાલોલ રોડ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક સવાર અને ટ્રક ડ્રાઈવર જીવતા ભૂંજાયા છે.
વડોદરા હાલોલ રોડ પર મોડી રાતે ગમખ્વાર અને કમકમાટી ભરાઈ જાય તેવો અકસ્માત સર્જાયો હતો. વડોદરા આમલીયારા ગામ પાસે બ્રિજ પરથી એક ટ્રક નીચે ખાબકી હતી. આ બનાવ જ્યારે બન્યો ત્યારે બ્રિજ નીચેથી એક બાઈક પસાર થઈ રહી હતી, જેમાં બે લોકો સવાર હતા. ત્યારે ટ્રક બાઈક પર પડી હતી અને પસાર થતા બે બાઈક સવારો ટ્રક નીચે દબાયા હતા. તો બીજી તરફ, ટ્રક નીચે ખાબકતા જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે ટ્રક નીચે દબાયેલા બે બાઈક સવાર સહિત ટ્રક ડ્રાઇવર આગમાં જીવતા ભૂંજાયા હતા. આમ, આગમાં ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ દ્રશ્યો જોઈને પસાર થઈ રહેલા રાહદારીઓમાં અરેરાટી ફેલાઈ હતી.