યુવા વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને વિજય હઝારે ટ્રોફીમાં કેરળ માટે રમતા ગોવા વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. તેણે ૧૨૫ બોલમાં ઇન્ડિયન લિસ્ટ-એ ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. સેમસને ૧૨૯ બોલમાં ૨૧ ચોક્કા અને ૧૦ છગ્ગાની મદદથી અણનમ ૨૧૨ રન કર્યા હતા. તેની ઇનિંગ્સ થકી કેરળે ૫૦ ઓવરમાં ૩ વિકેટે ૩૭૭ રન કર્યા હતા.
ભારત માટે સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા (૩ વાર), શિખર ધવન, કરણવીર કૌશલ અને સંજુ સેમસને લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી મારી છે. તેંડુલકર, સહેવાગ અને રોહિતે ઇન્ટરનેશનલમાં, જયારે ધવન, કૌશલ અને સેમસને ઘરેલુ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી છે. સેમસને વિકેટકીપર દ્વારા લિસ્ટ-એ ક્રિકેટમાં નવો સર્વાધિક સ્કોર કર્યો છે. અગાઉનો રેકોર્ડ પાકિસ્તાનના આબિદ અલીના નામે હતો. તેણે ૨૦૯* રન કર્યા હતા. સેમસન ભારત માટે એકમાત્ર ટી-૨૦ રમ્યો છે. તેણે ૨૦૧૫માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ૧૯ રન કર્યા હતા, ભારત તે મેચ હારી ગયું હતું. ત્યારબાદ સેમસનને તક મળી નથી. તેણે ૨૦૧૩માં ૧૮ વર્ષની વયે રાજસ્થાન રોયલ્સ માટે આઇપીએલ ડેબ્યુ કર્યું હતું.