શૈક્ષણિક લાયકાતનું કારણ ધરી બિનસચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરાઈ

560

૨૦મી ઓક્ટોબર લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલાં આ નિર્ણયમાં જણાવાયું છે કે, આ પરીક્ષા હાલ પૂરતી રદ કરાઇ છે. પરંતુ નવી તારીખો ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આ પરીક્ષા રદ્દ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો કહી રહ્યા છે કે આ તો અમારા ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે, કોઇ કે પરીક્ષાની તૈયારી માટે પોતાની સગાઇ પાઠી ઠેલાવી તો કોઇએ બીજી તૈયારીઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. પરંતુ હવે રાજ્ય સરકારે જાણે કે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી હોય તેમ અધવચ્ચે જ પરીક્ષાની તારીખ બદલી લેતાં લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

આ અંગે મંડળના અધ્યક્ષ આસિત વોરાને પૂછતાં તેમણે જણાવ્યું કે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરીક્ષા રદ કરવા સૂચના આવી છે. પરીક્ષા રદ કરવા પાછળ નવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ ૧૨ પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

રાજ્યમાંથી ૧૦.૭૫ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જો શૈક્ષણિક લાયકાતમાં સુધારો આવે અને તે સ્નાતક કક્ષાનું થાય તો મૂળ જાહેરાત પ્રમાણે ધોરણ બાર પાસની લાયકાત ધરાવતાં ઘણાં અરજકર્તાઓની અરજી રદ્દ થવાં પાત્ર પણ ઠરે તેમ છે. જાહેરાત બહાર પડ્યાને એક વર્ષ થઇ ગયું છે, અને હવે સરકારના નિયમના બદલાવની સંભાવનાથી ઉમેદવારોને અનિશ્ચિતતા સતાવી શકે છે કે તેઓ અરજી કર્યાં બાદ પણ ભરતીને લાયક રહેશે કે નહીં. ગૌણ સેવા પસંદગી મંડળે તમામ નિવાસી એડિશનલ કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીએ ને સૂચના આપી દીધી છે. ૧૦ લાખ ૪૫ હજાર ઉમેદવારોને પરીક્ષા રદ અંગેની માહિતી વેબસાઈટ પર મુકાઈ છે.

આ અગાઉ પણ બે વાર અલગ અલગ કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હતી. રાજ્યમાંથી ૧૦.૭૫ લાખ ઉમેદવારોમાંથી સૌથી વધુ ૧.૫૦ લાખ ઉમેદવારો અમદાવાદમાંથી પરીક્ષા આપવાના હતા. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી ૧ લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

રાજ્ય સરકારે પરીક્ષાની જાહેરાત બહાર પડ્યાને એક વર્ષ થઇ ગયું છે, અને હવે સરકારના નિયમના ફેરફારથી ઉમેદવારોને અનિશ્ચિતતા સતાવી છે કે તેઓ અરજી કર્યાં બાદ પણ ભરતીને લાયક રહેશે કે નહીં.

Previous articleવિવાદિત હરામીનાળા પાસેથી બીએસએફએ ૫ પાક. બોટ ઝડપી
Next articleરવિવારે શરદ પુનમ