હળવદ માર્કેટિંગ યાર્ડમાં અવાર-નવાર ભાવ નીચા જતાં ચક્કાજામ અને ઉગ્ર આંદોલન થતા હોય છે. ત્યારે આજે કપાસના અને મગફળીના ભાવ ૬૦૦થી ૭૦૦ નીચા જતા ખેડૂતો વિફર્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતો ચેરમેનની ઓફિસમાં દોડી આવ્યા હતા. ત્યારબાદ રોષે ભરાયેલા ખેડૂતોએ કપાસ-મગફળીના ભાવો નીચા જતાં તાત્કાલિક હરાજી બંધ રાખી દીધી હતી. જેને પગલે માર્કેટયાર્ડ અને પંથકમાં ભારે ચકચાર મચી હતી.
આખરે હળવદ પોલીસને જાણ કરાતા પોલીસે આવી સમગ્ર મામલો અને વિવાદ શાંત પાડયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઝાલાવાડનું સૌથી મોટી ગણાતું હળવદના માર્કેટિંગ યાર્ડમા હળવદ તાલુકાના અને મોરબી જિલ્લા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, સાયલા સહિતના ગામોના હજારો ખેડૂતો પાક વેચવા માટે હળવદ માર્કેટિંગ યાર્ડમા આવે છે. આજે પણ ખેડૂતો પોતાના કપાસ, મગફળીના પાકના વેચાણ માટે આવ્યા હતા અને હરાજી બોલવાની પ્રક્રિયા શરૂ થઇ હતી પરંતુ કપાસ અને મગફળીના ભાવ રૂ.૬૦૦થી ૭૦૦ સુધી નીચા જતાં ખેડૂતો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો અને તેમના પાકના પૂરતા અને યોગ્ય ભાવ આપવા ઉગ્ર માંગણી ઉચ્ચારી હતી. ખેડૂતોએ હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે માર્કેટ યાર્ડની હરાજી બંધ રાખી દીધી હતી, જેને પગલે યાર્ડમાં દોડધામ મચી ગઇ હતી.
ભારે હોબાળો અને વિવાદ સર્જાતાં સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડયો હતો. તો બીજીબાજુ, અમરેલી એપીએમસીમાં પણ ખેડૂતો દિવાળી સામે આવી રહી હોવાથી પૈસાની જરૂરિયાતના કારણે ટેકાના ભાવથી ઓછા ભાવે પોતાના પાક વેચવા મજબૂર બન્યા હતા. આ સંજોગોમાં ખેડૂતઆલમમાં સરકારને તાત્કાલિક દરમ્યાનગીરી કરી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અપાવવા માંગણી ઉઠવા પામી છે.