ભારતને વધુ એક ઝટકોઃ વિશ્વ બેન્કે વિકાસ દર ઘટાડીને ૬ ટકા કર્યો

348

આર્થિક મંદીની વચ્ચે ભારતને વિશ્વ બેન્ક તરફથી વધુ એક ઝટકો મળ્યો છે. વિશ્વ બેન્કે હવે ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. વિશ્વ બેન્કે ભારતનો ગ્રોથ રેટ ઘટાડીને ૬ ટકા કર્યો છે. જોકે વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતનો ગ્રોથ રેટ ૬.૯ ટકા રહ્યો હતો. જોકે સાઉથ એશિયાની ઈકોનોમિક ફોકસની લેટેસ્ટ એડિશનમાં વિશ્વ બેન્કે એમ પણ કહ્યું છે વર્ષ ૨૦૨૧માં ભારત તેનો ગ્રોથ રેટ ૬.૯ ટકા ફરીથી રિકવર કરી શકે છે.

વિશ્વ બેન્કે કહ્યું છે કે સતત બીજા વર્ષે પણ આર્થિક વિકાસ દરની ગતિ ઘટી રહી છે. ૨૦૧૭-૧૮માં તે ૭.૨% હતો, જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૬.૮% થયો હતો. જોકે મેન્યુફેકચરિંગ અને કન્સ્ટ્રક્શન વધવાથી ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટ ગ્રોથ વધીને ૬.૯ ટકા થયો છે જ્યારે એગ્રીકલ્ચર અને સર્વિસ સેકટરમાં ગ્રોથ ૨.૯ ટકા અને ૭.૫ ટકા રહ્યો હતો.

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન એક વાર ફરીથી ઘટાડ્યું છે. મૂડીઝનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભારતનો જીડીપી ગ્રોથ ૫.૮ ટકા રહી શકે છે. અગાઉ મૂડીઝનું જીડીપી ગ્રોથ અનુમાન ૬.૨ ટકા હતું. આ કારણે મૂડીઝે જીડીપી ગ્રોથ અનુમાનમાં ૦.૪ ટકાના ઘટાડો કર્યો છે.

તેન સાથે જ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ગંભીર ચેતવણી પણ આપી છે. મૂડીઝે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુસ્તી ચાલુ રહેશે તો સરકારની ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાની કોશિશને ઝટકો લાગશે. તેની સાથે જ લોનનો બોજો પણ વધતો જશે.

મૂડીઝની જેમ જ દેશની કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ પણ ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું છે. આરબીઆઈના અનુમાન મુજબ, આ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૧ ટકાના દરથી રહી શકે છે. અગાઉ આરબીઆઈએ ૬.૯ ટકાના દરથી જીડીપી ગ્રોથ થશે એવું અનુમાન કર્યું હતું. એટલે કે થોડા મહિનાઓમાં જ આરબીઆઈએ જીડીપી ગ્રોથના અનુમાનિત આંકડાઓમાં ૦.૮ ટકાનો ઘટાડો કર્યો.

Previous articleFPI દ્વારા બે સપ્તાહોમાં જ  ૬૨૦૦ કરોડ પાછા ખેંચાયા
Next articleપીએસબી બેંકોના વડા સાથે આજે નાણાપ્રધાનની મિટિંગ