ગેરકાયદે વપરાશ બદલ ઓશિયા હાઇપર માર્ટ સીલ

823
gandhi1632018-6.jpg

ગાંધીનગર ગેરકાયદે બાંધકામ અને બાંધકામના હેતુફેર વપરાશનો મુદ્દો હંમેશા વિવાદી રહ્યો છે. એક સમયે એકથી વધુ તંત્ર પાટનગરનો વહીવટ કરતા હતાં, પરંતુ હવે હાઇકોર્ટે આ જવાબદારી મહાપાલિકાની ઠરાવી હોવાથી ટાંચા સ્ટાફ સાથે અધિકારીઓ કાયદાનું પાલન કરાવવા મથી રહ્યાં છે. ત્યારે ત્રણ દિવસ પહેલા સેક્ટર ૨૧માં ઓશિયા હાઇપર માર્ટને સીલ મારવા પહોંચેલી મહાપાલિકાની ટુકડીને સચિવાલયથી આવેલા દબાણના કારણે વીલા મ્હોંએ પરત ફરવું પડ્‌યુ હતું. પરંતુ મોલના સંચાલકોએ મહાપાલિકાનું રીવાઇઝ ભોગવટા પ્રમાણપત્ર અને વિકાસ પરવાનગી મેળવેલા નહીં હોવાથી મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ સખ્ત વલણ અખત્યાર કરતાં બુધવારે હાઇપર માર્ટને સીલ મારી દેવામાં આવ્યા હતાં. 
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે બાંધકામ પરવાનગી આપવાની સત્તા જ્યારે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ હસ્તક હતી ત્યારે આ બાંધકામને મતલબ કે આરવર્લ્ડના ભોંયરાને સ્ટોર તરીકે પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ તેની વિકાસ પરવાનગી કે રીવાઇઝ ભોગવટા પ્રમાણપત્ર લેવામાં આવેલા નથી. જે કાયદાની જોગવા પ્રમાણે મહાપાલિકા પાસેથી મેળવવાનું અનિવાર્ય છે. 
ગત તારીખ ૨૮મીએ પણ તેના સંબંધમાં અને વાહન ર્પાકિંગની વ્યવસ્થાના સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. નોંધવું રહેશે કે ઓશિયા હાઇપર માર્ટના સંચાલકોએ મહાપાલિકાની નોટિસને ગણકારી ન હતી. આખરે ત્રણ દિવસ પહેલા મહાપાલિકાની ટીમ મોલને સીલ મારવા પહોંચી ત્યારે પણ રાજકારણીઓ મારફત દબાણ લાવવામાં આવ્યુ હતું અને જવાબ રજુ કરવા માટે સમય માગવામાં આવ્યો હતો. પરંતુ આખરે બુધવારે મહાપાલિકાની ટીમ ફરીથી સ્થળ પર પહોંચી હતી અને બાંધકામના અનધિકૃત વપરાશના મુદ્દે મોલને સીલ મારી દેવામાં આવતાં આ મુદ્દો વેપારી આલમમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. 
ગાંધીનગરમાં ૨૦૧૧માં મહાપાલિકા સક્રિય કરવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ મહાપાલિકા વિસ્તારમાં બાંધકામ પરવાનગી આપવાની અને બાંધકામના ભોગવટા પ્રમાણપત્ર આપવાની સત્તા ગુડા હસ્તકથી લઇને સરકાર દ્વારા મહાપાલિકાને જ સોંપી દેવામાં આવી છે. પરિણામે રિવાઇઝ ભોગવટા પ્રમાણપત્ર અને વિકાસ પરવાનગી મહાપાલિકા પાસેથી મેળવવાના રહે છે. 

Previous article ધારાસભ્ય અંબરીશ ડેરને સસ્પેન્ડ કરાતા રાજુલામાં કોંગી કાર્યકરો દ્વારા ચક્કાજામ
Next articleપાટીદાર સામેના ૯૦ ટકા કેસ પાછા ખેંચી લેવાયા છે : પ્રદિપસિંહ જાડેજા