ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, સંઘનો ઉદેશ્ય ભારતમાં પરિવર્તન માટે માત્ર હિન્દુઓને જ નહીં બલ્કે સમગ્ર સમાજને સંગઠિત કરવાનો રહેલો છે. અખિલ ભારતીય કારોબારી મંડળની બેઠકના ભાગરુપે પહોંચેલા મોહન ભાગવતે સભાને સંબોધતા કહ્યું હતું કે, સમાજને સંગઠિત કરવાની ખુબ જરૂર દેખાઈ રહી છે. સંઘ આ દિશામાં કામ કરી રહ્યું છે. સંઘ પ્રમુખે દાવા સાથે કહ્યું હતું કે, દુનિયામાં ભારતના મુસ્લિમો સૌથી અમીર છે. આનું મુખ્ય કારણ અમે હિન્દુ લોકો છીએ. યહૂદીઓને જ્યારે તમામ લોકોએ ફગાવી દીધા હતા ત્યારે તેમને પણ ભારતે અપનાવ્યા હતા. દુનિયામાં પારસી ધર્મ માત્ર ભારતમાં સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સંઘના લોકો કોઇની સાથે નફરત કરતા નથી. સમાજને સંગઠિત કરવાનું કામ કરે છે. પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું હતું કે, અમારી કોઇના પ્રત્યે કોઇ ઘૃણા નથી. સારા સમાજના નિર્માણ માટે એક સાથે આગળ વધવાની જરૂર છે. ઓરિસ્સાના નવ દિવસના પ્રવાસે પહોંચેલા ભાગવતે કહ્યું હતું કે, ભાવ, વિચાર અને સંસ્કૃતિમાં વિવિધતા હોવા છતાં ભારતના લોકો તમામ એક સમાન અનુભવ કરે છે. મુસ્લિમ લોકો પણ ખુશ રહે છે. પારસી અને અન્ય ધર્મના લોકો પણ બિલકુલ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. સમાજમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ થઇ રહ્યું છે. સારા માનવી તૈયાર કરવાની દિશામાં પહેલ થઇ રહી છે. નવ દિવસના પ્રવાસે શનિવારે ભુવનેશ્વર પહોંચ્યા બાદ જુદા જુદા કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ રહી હતી. ભારતમાં મુસ્લિમો સુરક્ષિત હોવાના મુદ્દા ઉપર સ્પષ્ટપણે વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, હિન્દુ લોકોની ઉદારતાના પરિણામ સ્વરુપે તમામ સમુદાયના લોકો તેમની આર્થિક સમૃદ્ધિ કરી શક્યા છે.