અમદાવાદ કોર્પોરેશને રિવરફ્રન્ટનો રસ્તો ખુલ્લો કરવા માટે સુભાષબ્રિજ પાસે આવેલું ૧૦૦ વર્ષ જૂનું મંદિર તોડી પાડતાં વિવાદ સર્જાયો છે. કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતની નોટિસ પાઠવ્યા વગર મંદિર તોડી પાડતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેસીબી વડે મંદિર તોડતી વખતે મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી. જેને કારણે અનેક લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચી હતી.
અમદાવાદના સુભાષબ્રિજ પાસે મેટ્રોપોલ હોટેલ તરફના છેડા નજીક રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નવો રસ્તો કાઢવાનું નક્કી કર્યું હતું. જેના પગલે કામગીરી હાથ ધરાઈ હતી. જો કે, રસ્તામાં રામેશ્વર મહાદેવ મંદિર નડતું હતું. અને લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. તંત્રએ લોકોનો વિરોધ ખાળવા મોડી રાત્રે બુલડોઝર લઈ મંદિરનું બાંધકામ તોડી પાડ્યું હતું. સવારે આસપાસના લોકોને જાણ થતાં આ મામલે ભારે વિરોધ ઊભો થયો હતો.
બીજી તરફ ત્યાં રહેતા બાવાજીએ પણ મ્યુનિ.ની કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમના અનુસાર આ મંદિર લગભગ ૧૦૦ વર્ષ જૂનું છે. જેને તોડવા મામલે મ્યુનિ. દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ મળી નથી. તોડફોડના અવાજથી રાત્રે લોકો મંદિરે પહોંચ્યા હતાં જો કે પોલીસે લોકોને ત્યાંથી પાછા ખદેડ્યા હતા. મૂર્તિઓ તૂટતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
તો આ મામલે કોર્પોરેશન અધિકારી આર્જવ શાહે કહ્યું કે, મંદિર રિવરફ્રન્ટના રસ્તા પર આવતું હોવાથી તોડવામાં આવ્યું છે. કાયદાકીય જોગવાઇ પ્રમાણે રસ્તા પર આવતા આવા એકમોને તોડવાની સત્તા હેઠળ આ કાર્યવાહી કરાઇ છે.