મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીની પ્રમુખ જિનપિંગના ભારત પ્રવાસના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, ડોકલામમાં શું થયું હતું તેવો પ્રશ્ન પણ મોદી કરી શક્યા નથી. રાહુલ ગાંધીએ જિનપિંગના ભારત પ્રવાસના મામલે મોદી ઉપર પ્રહાર કર્યા હતા. મોદી મેક ઇન ઇન્ડિયાને મેક ઇન ચાઇનામાં બદલવાના પ્રયાસ કરી રહ્યા છે. મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી છે. રાહુલ ગાંધીએ આક્ષેપો કરતા કહ્યું હતું કે, ચંદ્ર ઉપર રોકેટ મોકલવાથી યુવા લોકોના પેટ ભરશે નહીં. રાહુલના આ વિવાદાસ્પદ નિવેદનના કારણે આગામી દિવસોમાં હોબાળો થવાના સંકેત મળી રહ્યા છે. આ બહાને રાહુલે પરોક્ષરીતે ઇસરો ઉપર પણ પ્રહાર કરી દીધા હતા. રાહુલે કહ્યું હતું કે, તમામ ચીની કંપનીઓ ભારતમાં છે. કોઇપણ ચીજો ખરીદવામાં આવે તો તેના પર મેઇડ ઇન ચાઈના લખેલુ હોય છે. ભારતની ફેક્ટ્રીઓ બંધ થઇ રહી છે. ચીનના યુવાનોને રોજગારી મળી રહી છે. ગાંધીએ કહ્યું હતું કે, મિડિયામાં કોઇએ પણ બંધ થતી ફેક્ટ્રીઓના સંદર્ભમાં પ્રશ્નો કર્યા નથી. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, અમીર ઉદ્યોગોના એક લાખ ૨૫ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ કોઇએ પ્રશ્નો કર્યા નથી. ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર દેશની અર્થવ્યવસ્થાને ખતમ કરી નાંખવાનો આક્ષેપ કર્યો હતો.
અને કહ્યું હતું કે, વર્ષોથી જે કામ કોંગ્રેસે અને મનમોહનસિંહે કર્યું હતું તેને કેન્દ્ર સરકારે નષ્ટ કરી દીધા છે. અમિત શાહના કાશ્મીર રાજ ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, ચૂંટણીમાં તેઓ કાશ્મીર અને ચંદ્રની વાત કરશે પરંતુ જે મુળ સમસ્યા છે તેના ઉપર ચર્ચા કરશે નહીં. બેરોજગારીને લઇને મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, ચંદ્ર પર રોકેટ મોકલવાથી યુવાઓના પેટ ભરનાર નથી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ કેટલાક લોકોએ તેમનો વિરોધ પણ કર્યો છે. રાહુલ ગાંધીએ આજે પ્રચાર દરમિયાન બેરોજગારી, જીએસટી અને અતિ ખરાબ હાલતમાં રહેલી અર્થવ્યવસ્થાને લઇને મોદી ઉપર પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને આક્ષેપોના દોરમાં આવી ગયા છે. રાહુલે હંમેશાની જેમ જ બેરોજગારી, જીએસટી અને ખરાબ હાલતમાં રહેલા ઉદ્યોગતંત્રને લઇને વાત કરી હતી. ડોકલામના મુદ્દા ઉપર પણ મોદી સરકાર પર પ્રહાર કરવાના પ્રયાસ કર્યા હતા.