પુણે ટેસ્ટ : ભારતની ઇનિંગ્સ અને ૧૩૭ રને શાનદાર જીત

387

ટીમ ઇન્ડિયાએ પુણે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૧૩૭ રને હાર આપીને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલીના અણનમ ૨૫૪ રન બાદ ભારતીય બોલરોના શાનદાર દેખાવના પરિણામ સ્વરુપે ભારતે આ ટેસ્ટ મેચ ચોથા દિવસે જ પોતાના નામ ઉપર કરી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૫ રન પર ઓલઆઉટ થઇ ગયા બાદ દક્ષિણ આફ્રિકાને કેપ્ટન વિરાટ કોહલીએ ફોલોઓનની ફરજ પાડી હતી અને બીજી ઇનિંગ્સમાં આફ્રિકાના બેટ્‌સમેન ફરી એકવાર નિસહાય દેખાયા હતા. બીજી ઇનિંગ્સ ચોથા દિવસે અંતિમ સેશનમાં ટી બાદ પૂર્ણ થઇ ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની બેવડી સદી અને મયંક અગ્રવાલના ૧૦૮ રનની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૬૦૧ રન બનાવ્યા હતા. મહેમાન દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની બે ઇનિંગ્સ ૨૭૫ અને ૧૮૯ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ બંને ઇનિંગ્સ મળીને પણ આફ્રિકાની ટીમ ભારતના સ્કોર સુધી પહોંચી શકી ન હતી. ટીમ ઇન્ડિયાના તમામ બોલરોએ જોરદાર દેખાવ કર્યો હતો. આફ્રિકાના બેટ્‌સમેનો મેદાન ઉપર ટકી શક્યા નહતા. જે પીચ ઉપર દક્ષિણ આફ્રિકાની ટીમ ઝડપી અને સ્પીન બોલિંગ સામે નિસહાય દેખાઈ હતી ત્યાં ભારતીય ૂબોલરોએ શાનદાર રમત દર્શાવી હતી. બીજી ઇનિંગ્સમાં ઉમેશ, રવિચંદ્રન અશ્વિન અને જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ઉમેશ યાદવે ત્રણ અને રવિચંદ્રન અશ્વિને ૪ વિકેટ ઝડપી હતી. ટીમ ઇન્ડિયાના ત્રણ ઝડપી બોલરોએ પણ ઉપયોગી બોલિંગ કરી હતી. સ્પીનર અશ્વિન અને જાડેજાએ પણ વિકેટો મેળવી હતી. શનિવારના દિવસે આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચના ચોથા દિવસે ફોલોઓનની ફરજ પડ્યા બાદ આફ્રિકા ટીમ કોઇ પ્રભાવ પાડી શકી ન હતી. પ્રથમ ઇનિંગ્સના આધાર પર ૩૨૬ રનની લીડ મેળવનાર ટીમ ઇન્ડિયા એક સમયે ૪૦૦ રનની લીડ મેળવશે પરંતુ નવમી વિકેટની ભાગીદારીમાં પ્રથમ ઇનિંગ્સમાં કેશવ મહારાજ (૭૨) અને ફિલાન્ડર (૪૪) નવમી વિકેટની ભાગીદારીમાં ઉપયોગી રન બનાવીને ટીમના સ્કોરને સન્માનજનક સુધી પહોંચાડ્યો હતો.

આ જોડીએ ભારતીય ટીમને આગામી ૨૫૯ બોલ સુધી વિકેટથી દૂર રાખવામાં સફળતા મેળવી હતી. નવમી વિકેટની ભાગીદારીમાં ૧૦૯ રન ઉમેર્યા હતા. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ૧૯મી ઓક્ટોબરથી રાંચીમાં રમાશે. આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્‌સમેન બની ગયો હતો. કોહલીએ ૮૧મી ટેસ્ટ મેચ રમતા ૧૩૮મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ મેચોમાં ૩૨૯ ઇનિંગ્સમાં તથા વિરેન્દ્ર સહેવાગે ૧૦૪ ટેસ્ટ મેચની ૧૮૦ ઇનિંગ્સમાં છ-છ બેવડી સદી ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચને જંગી અંતરથી જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી.

 

Previous articleચંદ્ર પર રોકેટ મોકલવાથી યુવાઓના પેટ નહીં ભરાય
Next article૩૭૦ને ફરી લાવવાની જાહેરાત કરવા કોંગ્રેસને મોદીનો પડકાર