મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમા પર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરચા સંભાળી લીધા હતા. ચૂંટણીના એક સપ્તાહ પહેલા જ મોદીએ મહારાષ્ટ્ર મિશન હાથ ધરીને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. મિશન મહારાષ્ટ્ર પર રહેલા મોદીએ આજે જલગાંવ અને ભંડારામાં ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ પાર્ટી અને એનસીપી પર પ્રહાર કર્યા હતા. ધમાકેદાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા મોદીએ કલમ ૩૭૦, ૩૫એ, ત્રિપલ તલાક જેવા મુદ્દા પર વિપક્ષને ઘેરતા પોતાના ઘોષણાપત્રમાં આ ઐતિહાસિક નિર્ણયોને બદલી દેશે તેમ લખીને બતાવવા કોંગ્રેસ અને વિરોધીઓને પડકાર ફેંક્યો હતો. ભારતના નવા જોશને સમગ્ર દુનિયા નિહાળી રહી છે. ૩૭૦ પર કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને આ મુદ્દે વલણ સ્પષ્ટ કરવા માટે પણ પડકાર ફેંક્યો હતો. ૩૭૦ પર ઐતિહાસિક નિર્ણયને બદલી નાંખશે તેમ ઘોષણાપત્રમાં લખી બતાવવા પડકાર ફેંક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, વિપક્ષ માત્ર દેખાવા પુરતા વિરોધ પ્રદર્શન કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કોંગ્રેસ પર પડોશી દેશની ભાષા બોલવાનો આક્ષેપ કર્યો હતો. પોતાના ભાષણની શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે, નવા ભારતના જુસ્સાને સમગ્ર દુનિયા જોઈ રહી છે અને મજબૂતી સાથે સાંભળી પણ રહી છે. વિરોધીઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને અન્યોમાં જો હિંમત છે તો આ ચૂંટણીમાં વલણ સ્પષ્ટ કરીને સપાટી ઉપર આવે. જમ્મુ કાશ્મીર અને લડાખના વિષય પર આડેધડ નિવેદનબાજી કરવાના બદલે ઘોષણાપત્રમાં જાહેરાત કરીને બતાવે ત્યારે લોકોને વિશ્વાસ બેસશે. કલમ ૩૭૦ અને ૩૫એને પરત લઇને આવશે તેવી જાહેરાત કરી બતાવવા કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, જો જાહેરાત કરવાની હિંમત નથી તો બિનજરૂરીરીતે હોબાળો કરવાનું બંધ કરવું જોઇએ. મોદીએ કહ્યું હતું કે, પાંચમી ઓગસ્ટના દિવસે ભાજપ સરકારે અભૂતપૂર્વ ફેંસલો કર્યો હતો અને લોકોની અપેક્ષા મુજબ નિર્ણય કરવામાં આવ્યો હતો. કોઇ સમયે આ અંગે વિચારણા કરવાની પણ કોઇમા હિંમત ન હતી પરંતુ આજે નિર્ણય લેવાઈ ચુક્યો છે. જમ્મુ કાશ્મીર અને લડાખના ગરીબ લોકો, બહેન-પુત્રીઓ, દલિતો અને શોષિતોના વિકાસની શક્યતા પહેલા નહીવત સમાન હતી. આજે જ્યારે અમે વાલ્મિકી જ્યંતિ મનાવી રહ્યા છે ત્યારે સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ ચુક્યો છે. માનવ અધિકાર તમામને મળી ચુક્યા છે. અગાઉની સ્થિતિમાં જ્યારે કલમ ૩૭૦ની સ્થિતિ હતી ત્યારે માત્ર અલગતાવાદી અને કટ્ટરપંથી ગતિવિધિ ચાલી રહી હતી. મોદીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર અને લડાખ અમારા માટે માત્ર જમીનના ટુકડા તરીકે નથી પરંતુ ભારતના મસ્તક તરીકે છે. ત્યાના જીવન ભારતની વિચારધારા અને શક્તિને મજબૂત કરે છે. આસપાસની નાપાક શક્તિઓની બાજનજરથી જમ્મુ કાશ્મીરની શાંતિને ભંગ કરવાથી રોકવાના પ્રયાસ થઇ રહ્યા છે. ખૂનખરાબાને રોકવા માટે આ કલમો દૂર કરવામાં આવી છે. ત્રિપલ તલાક પર કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, આ તમામ પક્ષોએ વિરોધ કર્યો હોવા છતાં અમે મુસ્લિમ માતાઓ અને બહેનોને વચન આપી ચુક્યા છે જેને પાળી બતાવ્યું છે. ફરીથી ત્રિપલ તલાક કાનૂન લવાશે તેવી જાહેરાત કરી બતાવવા પણ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, ૪૦ વર્ષથી જે અસામાન્ય સ્થિતિ હતી તે સામાન્ય બનાવવામાં ચાર મહિનાથી પણ ઓછો સમય લાગ્યો છે પરંતુ કેટલાક પક્ષો રાષ્ટ્રહિતમાં લેવામાં આવેલા નિર્ણય પર રાજનીતિ રમી રહ્યા છે.