રાજ્યની ખાનગી શાળાઓ રૂપિયા કમાવા માટે પ્રકાશન સાથે સાઠગાંઠ કરતા હોય છે. પરિણામે વિદ્યાર્થીના વજન કરતા તેની બેગમાં વધારે વજન જોવા મળતું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ પ્રમાણે વજન નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક નિરીક્ષકો દ્વારા આ બાબતે ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું હતું. શિક્ષણ નિયામક દ્વારા ફરીથી તપાસ કરવા રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા ૨૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ ભણતરનો ભાર ઓછો કરવા અને વિદ્યાર્થીઓની બેગનું વજન ઘટાડવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અલગ-અલગ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની બેગનું વજન નક્કી કરવામાં આવ્યું હતું. શિક્ષણની નિરીક્ષકોને તમામ શાળાઓમાં જઈ તેની તપાસ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક શિક્ષણ નિરીક્ષકો દ્વારા આદેશનો અનાદર કરવામાં આવતો હોય તેવું જોવા મળે છે.
જેમાં નક્કી કરેલા ફોર્મેટમાં માહિતી પહોંચાડવામાં આવી નથી પરિણામે શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણધિકારીઓને કામગીરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યું છે કે, ભણતરનો ભાર ઓછો કરવા માટે ઠરાવ કરવામાં આવે છે. શાળામાં ઇન્સપેકશન દરમિયાન જરૂરી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે કે, નહીં તેનું મોનિટરિંગ કરવાનું કરવાનું રહેશે.