બાયડ તાલુકા પંચાયતની ચોઈલા બેઠકના કોંગ્રેસી સદસ્ય કાન્તાબેન પટેલના પતિ સી. સી. રોડનું બીલ મંજૂર કરવા માટે રૃા.૧૦ હજારની લાંચ લેતાં ગુરૃવારે અરવલ્લી એ.સી.બી.ના હાથે ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ સાથે જ કોંગ્રેસની આબરૃના ધજાગરા ઉડયા છે. તાલુકામાં વિકાસના કામો માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અનેક પદાધિકારીઓ પૈસા પડાવતા હોવાની ફરિયાદને હવે સરકારી સમર્થન મળ્યું છેપ્રાપ્ત જાણકારી અનુસાર ચોઈલા ગામમાં ડાહ્યાભાઈ મગનભાઈ પટેલના ફળીયામાં સી.સી.રોડનું કામ તાલુકા પંચાયત સદસ્યા કાન્તાબેન પટેલની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું. સદર બીલની રકમ ન ચૂકવાતાં પંચાયત સદસ્યાના પતિ રમણભાઈ ચતુરભાઈ પટેલે રૃા.૧પ હજારની માંગણી કરી હતી અને પૈસા નહીં આપો તો બીજું બીલ મંજૂર કરવા નહીં દઉં તેમ જણાવતાં કોન્ટ્રાક્ટર સમસમી ગયો હતો.
આખરે તેને અરવલ્લી એ.સી.બી. પી.આઈ. આર.એન.પટેલનો સંપર્ક કરતાં તા.૧પના રોજ બાયડના ચોઈલા રોડ ઉપર, સ્વામિનારાયણ સોસાયટીના ઝાંપા આગળ સદસ્યાના પતિને રંગે હાથે લાંચ લેતાં ઝડપી લેવાનું છટકું ગોઠવતાં રમણભાઈ પટેલ રૃા.૧૦ હજારની લાંચ લેતાં રંગેહાથે ઝડપાઈ જતાં સમગ્ર તાલુકા પંચાયત સંકુલમાં સનસનાટી મચી ગઈ હતી. તાલુકા પંચાયત હોય કે પછી ગ્રામ પંચાયત તેમાં મહિલાઓ ચૂંટાયા પછી તેમના મોટાભાગના પતિ વહીવટદાર બની ગયા છે અને કોન્ટ્રાક્ટરો પણ કટકીબાજોથી ત્રાસી એ.સી.બી.નું શરણું લઈ રહ્યા છે. સમગ્ર અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયતના સદસ્યાના પતિ લાંચ લેતાં ઝડપાયા હોય તેવો પ્રથમ બનાવ નોંધાયો છે.