૬૮ સિંહો અને ૬ દીપડાંને કેનાઇન ડિસ્ટેમ્પરનો ચેપ લાગ્યો

410

૨૦૧૮માં ગીર જંગલના દલખાણીયા રેન્જમાં ૨૩ સિંહોનાં મોત થતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બાદ સામે આવ્યું હતું કે, સાવજોમાં કેનાઈન ડિસ્ટેમ્પર નામનો વાયરસ ફેલાયો છે. ત્યારબાદ વનવિભાગ દ્વારા ૩૧૬ સિંહોની સાથે ૫૨ દીપડાંઓનાં લોહીનાં નમૂના પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા હતા. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, કુલ ૬૮ સિંહો અને ૬ દીપડાંને કેનાઈન ડિસ્ટેમ્પરનો ચેપ લાગ્યો છે. આ વાયરસ ભારતીય શ્વાનમાં રહેતાં વાયરસ હોવાનું સામે આવ્યું છે.આ મામલે પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીના ડિરેક્ટરે સૂચવ્યું છે કે, સિંહોનું રસીકરણ કરવામાં આવે. ભારતીય શ્વાનોમાં રહેતાં આ વાયરસ સિંહોનાં મોતનું મોટું કારણ છે. રખડતાં શ્વાનોને ખાવાનાં કારણે આ વાયરસ સિંહોમાં ફેલાતો હોવાનું જોખમ રહેલું છે. અને આ વાયરસને ફેલાતાં માટે સિંહોનું રસીકરણ કરવું ખુબ જ જરૂરી છે.ગીરના જંગલમાં રોગચાળાથી સાવજોનાં મોતથી જબરો ઉહાપોહ તથા રાજકીય વિવાદ થયો હતો. જેને પગલે ૩૧૬ સાવજોના બ્લડ, આંખ, નસલ સહિતના સેમ્પલો લેવામાં આવ્યા હતા. મોતને ભેટેલા ત્રણ સાવજોના ફેફસા, લીવર, હૃદય, કિડની જેવા અંગો પણ તપાસ માટે પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા.

Previous articleમહેસાણા જિલ્લા સહકારી ચૂંટણી વિવાદઃ આજે હાઇકોર્ટમાં સુનાવણી
Next articleગળતેશ્વરના અંબાવની પાસે દુર્ઘટનામાં પાંચના મોત થયા