ગીર સોમનાથના વેરાવળના ભાલકા તીર્થમા આહીર સમાજ દ્વારા યોજાયેલ એક લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. સામાન્ય રીતે ગુજરાતમાં સાધુ-સંતો, ભજનો અને ડાયરામાં રૂપિયાના વરસાદ થાય તે સામાન્ય છે. પરંતુ ભાલકા તીર્થમાં રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. ડાયરા બાદ રૂપિયા ગણવા માટે રીતસરના મશીન મૂકવામાં આવ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.
ગીર સોમનાથના વેરાવળમાં ભાલકા તીર્થના સુવર્ણશિખરે ધર્મધજા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ એક કાર્યક્રમમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં રાજભા ગઢવી સહિત નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં રાજભા ગઢવીએ એવો રંગ રાખ્યો હતો કે, કેનેડામાં ઓનલાઈન ડાયરો નિહાળતા શ્રોતાઓએ ડોલર ડોનેટ કર્યા હતા. આ લોકડાયરામાં લોક ગાયક રાજભા ગઢવી, માયાભાઈ આહીર, ધારાસભ્ય ભગવાન બારડ, અંબરીશ ડેર સહિતના મહાનુભાવો પર લાખોની નોટોનો વરસાદ થયો હતો.
ગીર સોમનાથના વેરાવળમાં ભાલકા તીર્થમાં ઓનલાઈન પણ ડોલર વરસ્યાની પ્રથમ ઘટના સર્જાઈ છે. અત્રે નોંધનીય છે કે, ભાલકા તીર્થમાં આહીર સમુદાય દ્વારા સુવર્ણશીખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં ગઈકાલે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ લોકડાયરામાં રાજભા ગઢવી સહિતના નામાંકિત કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેને પગલે લોકડાયરામાં લાખોની મેદની ઉમટી પડી હતી. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો.