રાજકોટના એરપોર્ટ રોડ પરના એપાર્ટમેન્ટમાં રહેતી ચોકીદારની આઠ વર્ષની પુત્રી પોતાની દાદી સાથે ગરબીમાંથી લ્હાણી લઇ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે બંને ઘરથી થોડે દૂર હતા ત્યારે બાઈકસવાર થાકી ગયા હોય તો બેસી જાવ કહી બાળકીને બેસાડી દાદી બેસે તે પહેલા બાઈક હંકારી મૂક્યું હતું.
રૈયા રોડ પર સ્મશાનની પાછળ બાળાને જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પરત ફરતી વેળાએ વાહન મોટા ખાડામાં પડ્યું હતું. આથી બાળાને ચાલ્યા જવાનું કહી પોતે ચાલીને ભાગી છૂટ્યો હતો. અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ટીમની રચના કરી હતી અને અલગ-અલગ વિસ્તારમાં દોડાવી હતી.
હાલ મળતી માહિતી પ્રમાણે પોલીસની દોડધામ વચ્ચે બાળકી હેમખેમ ઘરે આવી પહોંચતા પોલીસ અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. આરોપી શખ્સ ચોરી સહિત ૭ જેટલા ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ પોલીસે ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં આઈ વે પ્રોજેક્ટ અને સર્વેલન્સના કારણે ફાયદો થયો છે. બાઈક ઝાડ સાથે ટકરાતા આરોપી શખ્સ બાઇક મુકીને ભાગી ગયો હતો. પોલીસને ઘટના સ્થળેથી આરોપીનું બાઈક મળવાથી ગુનો ઉકેલવામાં મદદ થઈ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ રાજકોટ પોલીસે આરટીઓમાંથી બાઈકના માલિકની ઓળખ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ પોલીસને છેલ્લે મળતી માહિતી પ્રમાણે, આરોપીનું નામ બાબુભાઈ દેવાભાઇ છે.