ગાંધીનગર નજીક દોલારાણા વાસણા(બાપુપુરા) પાસેથી દિપડાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન  કરાયું

443

ગાંધીનગર પાસેથી પસાર થતી સાબરમતી નદીના કોતર વિસ્તાર નજીકના કેટલાક ગામોમાં પાલતુ પ્રાણીઓના મારણ અને દિપડાના પગમાર્ક અનેકવાર જોવા મળ્યા હતા. જેને ગંભીરતાથી લઇને ગાંધીનગર વન વિભાગ દ્વારા છેલ્લા છ મહિનાથી આ દિપડાને ટ્રેક કરીને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. દરમિયાન આજે ગાંધીનગર નજીકના દોલારાણા વાસણા (બાપુપુરા) ગામમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને વન વિભાગની ટીમે દિપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પડ્‌યું છે. જોકે હજુ આ વિસ્તારમાં દિપડો હોવાની શક્યતા વ્યક્તા કરતા ગાંધીનગર નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોરે જણાવ્યું છે કે, તે દિપડાને ટ્રેક કરીને રેસ્ક્યુ કરવા તેમની ટીમો દ્વારા કવાયત ચાલી રહી છે.

ગાંધીનગર નજીકના ફતેપુરા, પીંપળજ, પીંઢારડા, દોલારાણા વાસણા, ગ્રામભારતી, અમરાપુર અને અંબોડ સહિતના નદીકાંઠાના ગામોમાંથી અવારનવાર દિપડાના પગમાર્ક જોવા મળ્યા છે અને પાલતુ પ્રાણીઓના મારણ કર્યા હોવાના બનાવો વન વિભાગને ધ્યાને આવ્યા હતા. જેના અનુસંધાને ગાંધીનગર વન વિભાગ દ્વારા બોરીજ, ઉર્જા અને માણસા રેન્જમાં દિપડાને પકડી પાડવા ટીમો બનાવી સતત પેટ્રોલીંગ અને મોનીટરીંગ કરાઇ રહ્યું હતું તેમ જણાવી ગાંધીનગર નાયબ વન સંરક્ષકએ વધુમાં ઉમેર્યું હતું કે, દિપાડાને પકડવા બનાવેલી વિવિધ વ્યુહરચના અંતર્ગત બનાસકાંઠા વન્યજીવ ડીવીઝનની રેસ્ક્યુ ટીમ તથા સાસણગીર અભ્યારણ્યની ટ્રેકર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરા ગોઠવીને ગ્રામજનોને રાત્રે ખુલ્લામાં નહીં સુવા સુચનાઓ પણ જારી કરવામાં આવી હતી.

અનેક પ્રયત્નોને અંતે પણ દિપડાના લોકોશન ટ્રેસ થતા ન હતા દરમિયાન ગઇ કાલે ૧૩ ઓકટોબરે દોલારાણા વાસણા (બાપુપુરા) ખાતે દિપડા દ્વારા એક પાલતુ પ્રાણી (પાડા)નું મારણ કરવામાં આવ્યું હોવાના મેસેજ મળતા જ ઉર્જા રેન્જના સ્ટાફ દ્વારા આ ગામમા કોતર વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યું હતું અને રાતભર મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ૧૪ ઓકટોબરે સવારે ૭.૪૫ વાગ્યે દિપડાને પાંજરામાં પુરી દેવા વન વિભાગને સફળતા મળી હતી.

રેસ્ક્યુ કરાયેલા દિપડાને પાંજરા સાથે દોલારાણા વાસણાથી ગાંધીનગર ખાતેના વનચેતના કેન્દ્ર ખાતે લઇ જવામં આવ્યો છે. ગીર ફાઉન્ડેશનના વેટરનરી ડૉકટર પસે દિપડાનું નિરીક્ષણ કરવતાં આ દિપડો ૭-૮ વર્ષથી મોટો પુખ્ત વયનો નર હોવાનું તથા તંદુરસ્ત હાલતમા હોવાનું જણાવ્યું છે.

ગાંધીનગર વનસંરક્ષક એસ.એમ.ડામોરે વધુમાં જણાવ્યું છે કે, આ દિપડાને વન ચેતના કેન્દ્ર માંથી ગીર ફાઉન્ડેશન ખાતે તબદીલ કરવામાં આવશે અને ત્યારબાદ ઓબ્ઝર્વેશનમાં રાખીને તેને મુક્ત કરવા માટેનું સ્થળ નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ડામોરે વધુમાં જણાવ્યું છે કે, હજુ પણ સાબરમતી નદીના કોતરોમાં દિપડો ફરતો હોવાની શક્યતઓ નકારી શકાય તેમ ન હોય વન વિભાગને પુરતો સહયોગ આપવો અને કોઇ બાબત ધ્યાને આવે તો તુર્તજ વન વિભાગને ફોન નંબરઃ ૨૩૨-૨૧૨૬૦ ઉપર સંપર્ક કરવો.

સતત છ મહિનાથી દિપડાને ટ્રેક કરી રેસ્ક્યુ કરવા બોરીજ, ઉર્જા અને માણસા રેન્જના ક્ષેત્રીય સ્ટાફ દવારા જે સરાહનીય પ્રયત્નો કરવામાં આવ્યા છે તે બદલ મુખ્યવનસંરક્ષક, ગાંધીનગર દ્વારા સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Previous articleદીપડાના બચ્ચાંને હેરાન કરતા ૪ યુવકોની માહિતી આપનારાને વનવિભાગે ઇનામ આપશે
Next articleબેંકોના મેગા મર્જરની પ્રક્રિયા સાનુકુળરીતે જ ચાલી રહી છે