ફિલ સિમન્સને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ પણ વિન્ડીઝના કોચ રહી ચૂક્યા છે, પરંતુ ૨૦૧૬માં કેરેબિયન દેશે બીજી વાર ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો તે પછી તેમને કલ્ચરલ મતભેદનું કારણ બતાવવીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પછી તેમની ફરી કોચ પદે વાપસી થઇ છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે તેમના પૂર્વ ઓલરાઉન્ડર સાથે આ વખતે ચાર વર્ષનો કરાર કર્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ પછી સિમન્સે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ તરીકે ફરજ નિભાવી હતી. તેમના કોચિંગ હેઠળ અફઘાનિસ્તાન પહેલી વાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયું હતું. તેમજ તાજેતરમાં તેમના કોચિંગ હેઠળ જ બાર્બાડોસ ટ્રાઇડન્ટસ કેરેબિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બન્યું હતું. વેસ્ટ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ રિકી સ્કેરીતે કહ્યું હતું કે, “અમે ત્રણ વર્ષ પહેલા કરેલી ભૂલને સુધારી છે. તેમજ આ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે. અમને ખાતરી છે કે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ અહિયાંથી સાચી દિશામાં આગળ વધશે.”