યુરો કપ ૨૦૨૦ના ક્વોલિફાયર મુકાબલામાં સોમવારે યુક્રેને પોર્ટુગલને ૨-૧થી હરાવ્યું હતું. મેચમાં પોર્ટુગલ માટે એકમાત્ર ગોલ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ૭૨મી મિનિટમાં પેનલ્ટી કન્વર્ટ કરીને કર્યો હતો. આ તેના કરિયરનો ૭૦૦મો ગોલ હતો. તે આંકડા સુધી પહોંચનાર દુનિયાનો છઠો અને હાલના ફૂટબોલર્સમાં પ્રથમ ખેલાડી છે. ચેક રિપલ્બિકનો પૂર્વ પ્લેયર જોસેફ બાઇકન કરિયરમાં ૮૦૫ ગોલ સાથે પ્રથમ સ્થાને છે.
૩૪ વર્ષીય રોનાલ્ડોએ આ સિદ્ધિ ૯૭૩મી (ઘરેલુ, ક્લબ અને ઇન્ટરનેશનલ) મેચમાં મેળવી છે. તેની પહેલા ફૂટબોલ ઇતિહાસમાં જોસેફ બાઇકન, રોમારિયા, પેલે અને જર્મનીના ગર્ડ મ્યૂલર ૭૦૦થી વધુ ગોલ કરી ચૂક્યા છે.
રોનાલ્ડોએ પોતાના કરિયરના ૪૪૪ ગોલ જમણા પગે કર્યા છે. તે સિવાય ૧૨૬ ગોલ ડાબા પગે, ૨ ગોલ ચેસ્ટથી અને ૧૨૮ ગોલ હેડરથી કર્યા છે.
રોનાલ્ડોએ પોતાના ૧૭ વર્ષીય કરિયરમાં ૯૫ ગોલ પોર્ટુગલ માટે કર્યા છે. તે સિવાય વિવિધ ક્લબ માટે ૬૦૫ ગોલ કર્યા છે. તેણે સૌથી વધુ ૪૫૦ ગોલ રિયલ મેડ્રિડ માટે કર્યા છે. તે ઉપરાંત ૧૧૮ ગોલ માન્ચેસ્ટર યુનાઇટેડ, ૩૨ ગોલ યુવેન્ટ્સ અને ૫ ગોલ સ્પોર્ટીંગ ક્લબ ઓફ પોર્ટુગલ માટે કર્યા છે.