મુંબઈ-દિલ્હી કોરિડોર એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન અકસ્માતે એક મહિલાનું મોત નિપજ્યું છે. શેરખી-ભીમપુરા ખાતે ગઈકાલે સાંજે હેવી ક્રેન મહિલા પર ચઢી જતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે આ ઘટના બાદ સ્થાનિકો દોડી આવ્યાહતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ મહિલાના પરિવારને વળતર નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
શેરખી-ભીમપુરા રોડ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે હાઈટેક ક્રેન ૪૫ વર્ષના મંજુલાબેન સોલંકી નામની મહિલા પર ચઢી ગઈ હતી. મંજુલાબેન પોતાના ખેતર તરફ જવા નીકળ્યા હતા ત્યારે ક્રેન તેમના પર ચઢી ગઈ હતી, અને તેમનો ત્યાં જ જીવ ગયો હતો. તો બીજી તરફ, ક્રેન ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તેમજ ઘટના બની ત્યાર સ્થળ પર કોન્ટ્રાક્ટર કે અધિકારી કોઈ જ હાજર ન હતું.
મહિલાના પરિવારજનોએ કાયદેસરની કાર્યવાહી કરીને ૨૫થી ૩૦ લાખના વળતરની માંગ કરી હતી. તો સામાજિક કાર્યકરો દ્વારા પણ પોલીસને રજૂઆત કરાઈ હતી. તો બીજી તરફ, એસ.એસ.જી હોસ્પિટલથી ડેડ બોડી લઈ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને સમગ્ર મામલે તપાસની માંગ કરાશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ-દિલ્હી કોરિડોર એક્સપ્રેસ હાઇવે બનવાની શરૂઆત થયાની અત્યાર સુધીમાં અકસ્માતે ૩ વ્યક્તિઓના મોત થઇ ચૂક્યા છે.