સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આજે ૩૯માં દિવસે અયોધ્યા કેસની સુનાવણી જારી રાખી હતી. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને લઇને ટિપ્પણી પણ કરી હતી જ્યારે હિન્દુ પક્ષના વકીલ કે પરાશરણને બંધારણીય બેંચ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે સીજેઆઈએ ધવનને પ્રશ્ન કર્યો હતો અને કહ્યું હતું કે, શું તેઓ આને લઇને સંતુષ્ટ છે. સીજેઆઇના આ પ્રશ્ન પર સમગ્ર કોર્ટ રુમમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. હકીકતમાં આ મામલો એ છે કે, ગઇકાલે વરિષ્ઠ વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ પર માત્ર ધવનને સવાલ પુછવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, હિન્દુ પક્ષના વકીલોને સવાલ કરવામાં આવતા નથી. આના પર ગઇકાલે બેંચે કોઇ ટિપ્પણી કરી ન હતી. અલબત્ત હિન્દુ પક્ષના વકીલ કે પરાશરણે ધવનના નિવેદનને લઇને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, બિનજરૂરીરીતે ધવનના નિવેદન રહેલા છે. આજે પરાશરણે અયોધ્યાની વિવાદાસ્પદ જમીન ઉપર હિન્દુઓના ટાઇટલના દાવાને લઇને વાત કરી રહ્યા હતા ત્યારે પીઠમાં સામેલ રહેલા જજ તેમને એક પછી એક સવાલ કરી રહ્યા હતા. બીજી બાજુ સીજેઆઈ ગોગોઇને પ્રશ્ન કર્યો હતો કે, શું અમે હિન્દુ પક્ષોને પુરતા પ્રશ્નો કરી રહ્યા છે કે કેમ. બીજી બાજુ આજે રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં હિન્દુ અને મુસ્લિમ પક્ષની પોતપોતાની દલીલો સોમવારના દિવસે ૩૮માં દિવસે પૂર્ણ થઇ ગઇ હતી.
હવે પુરક પ્રશ્નો અને તેમના જવાબોનો સિલસિલો જારી છે. આજ ક્રમમાં આજે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કોર્ટને કહ્યું હતુંકે, નિર્મોહી અખાડાના વકીલ સુશીલ જૈનની માતાનું અવસાન થયું છે જેથી તેઓ આજે પોતાની દલીલો કરશે નહીં. તેઓ સુન્ની વક્ફ બોર્ડના વકીલોની દલીલોનો જવાબ આવતીકાલે આપશે. હાલમાં હિન્દુ પક્ષના વકીલ કે પરાશરણ વક્ફ બોર્ડની દલીલોનો જવાબ આપી રહ્યા છે. તમામ લોકો જાણે છે કે, મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ સુપ્રીમકોર્ટે આ મામલાની દરરોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદથી દરરોજ સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે છેલ્લા ૩૯ દિવસથી સુનાવણી કરી છે. એમ માનવામાં આવે છે કે, નવેમ્બરના બીજા સપ્તાહમાં આ મામલામાં દેશની સર્વોચ્ચ અદાલત નિર્ણય આપી શકે છે. આ સંભવિત ચુકાદાને લઇને અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમ પક્ષો પોતપોતાની રીતે જોરદાર દલીલો કરી ચુક્યા છે. કોર્ટે બંને પક્ષોને ૧૭મી ઓક્ટોબર સુધી પોતાની દલીલો પૂર્ણ કરવા કહ્યું છે.