૩૭૦ને લઇ વિરોધ : ફારુકની બહેન અને પુત્રીની અટકાયત

367

કેન્દ્ર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપનાર કલમ ૩૭૦ની તમામ જોગવાઈઓ રદ કરી દેવામાં આવી છે. આને લઇને હજુ પણ વિરોધ પ્રદર્શન જારી છે. શ્રીનગરમાં આજે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાની બહેન સુરૈયા અને તેમની પુત્રી સાફિયાની કલમ ૩૭૦નો વિરોધ કરવા બદલ વિરોધ પ્રદર્શનના કારણે અટકાયતમાં લેવામાં આવી હતી. સાથે સાથે આશરે અડધા ડઝન જેટલી મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. ફારુક અબ્દુલ્લા, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબુબા મુફ્તી હજુ પણ નજરકેદ હેઠળ છે. થોડાક દિવસ પહેલા ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને ૧૫ સભ્યોનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. નેશનલ કોન્ફરન્સના ૧૫ સભ્યોના પ્રતિનિધિમંડળને મળવાની મંજુરી આપવામાં આવી હતી. કલમ ૩૭૦ પર કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા હતા. પોલીસે અડધા ડઝનથી વધુ કાર્યકરોની અટકાયત કરતા ખળભળાટ મચી ગયો છે. સાથે સાથે તંગદિલી પણ ફેલાઈ ગઈ હતી. પોલીસના કહેવા મુજબ તેમને ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી હતી છતાં આ લોકો એકત્રિત થઇને વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ મહિલા સીઆરપીએફની ટીમે દેખાવકારોને પકડીને પોલીસ વાહનમાં બેસાડી દીધા હતા.

પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ મિડિયાને પરચીઓ આપીને તેમને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા હતા. ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા પહેલાથી જ પોલીસ સુરક્ષા હેઠળ નજરકેદની સ્થિતિમાં રાખવામાં આવ્યા છે.

Previous articleઅયોધ્યામાં હિન્દુ પક્ષને પણ ઘણા સવાલ કરી રહ્યા છીએ
Next articleચિદમ્બરમને મોટો ફટકો : ઇડીને ધરપકડ કરવાની અંતે મંજુરી મળી