સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર આઈએનએક્સ મિડિયા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને મોટો ફટકો પડ્યો છે. દિલ્હી કોર્ટમાંથી ઇડીને ચિદમ્બરમની ધરપકડ કરવા માટેની મંજુરી મળી ગઈ છે. હાલમાં ચિદમ્બરમ આજ કેસમાં સીબીઆઈની ધરપકડ હેઠળ છે. ચિદમ્બરમને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. આજે જ ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આમા સીબીઆઈ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એજન્સી તેમને અપમાનિત કરવા માટે જેલમાં રાખવા માટે ઇચ્છુક છે. ચિદમ્બરમની દલીલોની કોઇ અસર હાલમાં દેખાઈ રહી નથી. દિલ્હીની ખાસ કોર્ટે ઇડીને ચિદમ્બરમની પુછપરછ કરવાની મંજુરી આપી દીધી છે. આ પુછપરછ મહત્તમ ૩૦ મિનિટ સુધી ચાલી શકે છે. આ ઉપરાંત કોર્ટે ઇડીને જરૂર પડવાની સ્થિતિમાં ધરપકડ કરવાની પણ મંજુરી આપી દીધી છે. હવે ઇડીના અધિકારી આવતીકાલે બુધવારના દિવસે તિહાર જેલમાં જશે. સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઇડીએ ત્યાં જ પુછપરછ કરવા અને ધરપકડ કરવા માટેની મંજુરી માંગી હતી. આના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે, આ ચિદમ્બરમની પ્રતિષ્ઠા મુજબ રહેશે નહીં. અહીં જાહેરરીતે તેમની પુછપરછ અને ધરપકડ કરવામાં આવી શકે છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને ઇડી દ્વારા નોંધવામાં આવેલા આઈએનએક્સ મિડિયા મામલામાં મંગળવારના દિવસે દિલ્હીની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચિદમ્બરમ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર મામલામાં ૧૭મી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઇડીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેને આઈએનએક્સ મિડિયા મામલા સાથે જોડાયેલા મામલામાં ચિદમ્બરમની પુછપરછ કરવાની જરૂર દેખાઈ રહી છે. આઇએનએક્સ મિડિયા ભ્રષ્ટાચારના મામલામા ંજેલમાં રહેલા ચિદમ્બરમે અગાઉ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. ચિદમ્બરમે કહ્યું હતું કે, સીબીઆઈ તેમને અપમાનિત કરવા માટે જેલમાં રાખવા માટે ઇચ્છુક છે. ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તર્કદાર દલીલો કરી હતી. સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરી હતી.
જસ્ટિસ આર ભાનુમતિની સમક્ષ બંને વકીલોએ કહ્યું હતું કે, એવો કોઇ મામલો સપાટી પર આવ્યો નથી કે ચિદમ્બરમ અથવા તેમના પરિવારના કોઇ સભ્યો કેસ સાથે સંબંધિત કોઇ સાક્ષીનો સંપર્ક કરવા અથવા તો પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર મામલામાં ફંડની હેરાફેરી અથવા તો નાણાંકીય નુકસાનના કોઇપણ આરોપ નથી. આવતીકાલે બુધવારના દિવસે સોલીસીટર જનરલ તુષાર મહેતા દલીલો આપશે.