પાક.માં જતુ પાણી રોકી હરિયાણાના ખેડૂતોને આપીશ : નરેન્દ્ર મોદી

447

પીએમ મોદીએ મહારાષ્ટ્રની સાથે સાથે હરિયાણામાં પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આજે હરિયાણામાં એક જાહેર સભાને તેમણે સંબોધન કરતા કહ્યુ હતુ કે, પહેલા હરિયાણામાં કેરોસીન માટે લાઈનો લાગતી હતી પણ હવે તેમાંથી લોકોને મુક્તિ મળી ગઈ છે.

તેમણે કહ્યુ હતુ કે, હરિયાણાનો બમણો વિકાસ થઈ રહ્યો છે. કારણકે કેન્દ્રમાં મોદી એન્જિન અને હરિયાણામાં મનોહર એન્જિન છે. હરિયાણાના લોકોએ તેના પર મહોર લગાવી છે. લોકોના આશીર્વાદથી ફરી ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, સરકારે હવે કલમ ૩૭૦થી મુક્તિ અપાવી દીધી છે. તેનાથી લોકો ખુશ છે. પણ કોંગ્રેસ અને વિરોધી પાર્ટીઓને આ ગમી રહ્યુ નથી. તેઓ અફવા ફેલાવે છે. કોંગ્રેસે મને જેટલી ગાળો આપવી હોય તે આપે, બેંગકોક અને થાઈલેન્ડથી ગાળો ઈમ્પોર્ટ કરવી હોય તો તે કરી લાવે પણ દેશની પીઠમાં ખંજર ભોંકવાનુ બંધ કરે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આયુષ્માન યોજનાથી લોકોની સારવાર થઈ રહી છે. પશુઓની સારવાર માટે યોજના અમલમાં આવી છે. વન રેન્ક વન પેન્શનનો વાયદો મારી સરકારે પુરો કર્યો છે.

હરિયાણાના બે લાખ સૈનિક પરિવારોને તેનો ફાયદો મળ્યો છે. ભાજપની સરકાર બનતા જ હરિયાણાના ખેડૂતોના બેન્ક ખાતામાં જ સીધી મદદ પહોંચશે. હરિયાણાના ખેડૂતોના હકનુ પાણી ૭૦ વર્ષથી પાકિસ્તાન જતુ હતુ. તે રોકીને હું તમારા ઘર સુધી પહોંચાડીશ. આ માટે મેં કામ શરૂ કરી દીધુ છે. આ પાણી પર તમારો, પંજાબનો, રાજસ્થાનનો હક છે. આ માટે હું લડાઈ લડી રહ્યો છું. નાના ખેડૂતોને પેન્શન યોજના સાથે જોડવાની વાત ભાજપે કરી હતી. સરકાર બનતા જ આ કામ થઈ ગયુ છે. ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા દર મહિને પેનશન મળશે.

તેમણે કહ્યુ હતુ કે, હું હરિયાણામાં વોટ માંગવા કે પ્રચાર કરવા નથી આવતો. મને હરિયાણા ખેંચી લાવ્યુ છે. હું આપોઆપ અહીંયા ચાલ્યો આવુ છું. અહીં તેમણે કુશ્તીમાંથી રાજકારણમાં પ્રવેશ કરનાર રેસલર બબીતા ફોગાટના સમર્થનમાં મત માંગ્યા. તેમણે કહ્યું કે હરિયાણામાં ‘મ્હારી છોરી છોરો સે કમ હૈ કે’નો નારો એક અભિયાન બની ગયું છે. આવો અવાજ જ્યારે આંદોલન બને ત્યારે દુનિયા કહેવા માટે મજબૂર થાય છે કે હિન્દુસ્તાનની દીકરીઓ ધાકડ છે.

પીએમે કહ્યું કે જ્યારેચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મને કહ્યું કે તેમણે દંગલ ફિલ્મ જોઇ છે તો મને હરિયાણાની દીકરીઓ પર ગર્વ થયો. આપને જણાવી દઇએ કે દંગલ ગર્લ બબીતા ફોગાટ ચરખી દાદરીથી ભાજપ ઉમેદવાર છે.

Previous articleચિદમ્બરમને મોટો ફટકો : ઇડીને ધરપકડ કરવાની અંતે મંજુરી મળી
Next articleટ્રેનિંગ સેન્ટર કેન્ટીનના કોન્ટ્રાક્ટર દંપતિની ધરપકડ