શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસે સવારના સમયે આયશર ટેમ્પાના ચાલકે બાઈક સવારને અડફેટે લેતા યુવાનને ગંભીર લોહીયાળ ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજવા પામ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસેથી ઉજળવાવ ગામે રહેતા પટેલ ભરતભાઈ રામજીભાઈ ગોટી (ઉ.વ.૩પ) પોતાનું બાઈક નં. જી.જે.પ એમ.એચ.૯ર૪પ લઈ જતા હતાં. તે વેળાએ આયશર ટેમ્પો નં. એચ.આર. ૬૯ સી ૯૪૬રના ચાલકે પટેલ ભરતભાઈને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થતા યુવાનનું સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતાં અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડાઈ હતી.