માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના રસ્તાઓના રીપેરીંગ કામગીરી શરૂ કરાઈ

914

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે જિલ્લાઓના માર્ગોને થયેલ નુકશાનનું સત્વરે રીપેરીંગ કરી રસ્તાઓને પૂર્વવત કરવાની સૂચના થતા જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓને તુટી ગયેલા તેમજ નુકશાન પામેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી તાકીદે પુર્ણ કરવા જણાવાયું હતું. જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ભાવનગર દ્વારા જિલ્લાના અગત્યના રાજ્ય ધોરીમાર્ગો તેમજ મુખ્ય જિલ્લા માર્ગોની મરામત, જાળવણી, રીસરફેસિંગ તેમજ મજબૂતીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

જેમા ભાવનગર જિલ્લાના રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે  જેવા કે રાજકોટ-ભાવનગર રોડ તથા અમદાવાદ-ભાવનગર રોડને ગત ચોમાસાને કારણે ભારે નુકસાન થવા પામેલ. જેનું રીપેરીંગનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે.

આ સિવાય ભાવનગર જિલ્લાના તાલુકાઓને જોડતા ભાવનગર થી ઘોઘા રોડ, ગારીયાધાર પરવડી પાલીતાણા રોડ, પાલીતાણા જેસર રોડ, મહુવા જેસર રોડ, ગારીયાધાર મોટા ચારોડિયા રોડ, ગારીયાધાર સણોસરા રોડ, સોનગઢ પાલીતાણા રોડ વગેરે જેવા તાલુકાથી તાલુકાને જોડતા ભાવનગર જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગો ની પણ મરામતની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

ગ્રામીણ દ્રષ્ટિએ અગત્યના તેમજ વધુ વસ્તી ધરાવતા મુખ્ય ગામોને જોડતા માર્ગો જેવા કે હાથબ પડવા રોડ, ઓથા બગદાણા રોડ, પીપરલા નોઘણવદર રોડ, લોંગ રૂટ તથા શોર્ટ રૂટને જોડતો નવાગામ ઈટાળીયા મેવાસા ભડભીડ રોડ વગેરે જેવા રોડની પણ રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

આ સિવાય ભાવનગર જિલ્લાના યાત્રાધામો જેવા કે બગદાણા, નિષ્કલંક મહાદેવ, ગોપનાથ મંદિર, પાલીતાણા તળેટી, ગૌતમેશ્વર મહાદેવ-સિહોર, ખોડીયાર મંદિર, અયોધ્યાપુરમ વગેરે જેવા ધાર્મિક સ્થળો પરના માર્ગોની રિપેરિંગની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવેલ છે.

આમ ભાવનગર જિલ્લાનાં ઉપરોક્ત તમામ કામો મળીને કુલ ૮૫૧ કિલોમીટરના માર્ગોની મરામત, જાળવણી, રીસરફેસિંગ તેમજ મજબૂતીકરણની કામગીરી પૂર્ણ કરી રસ્તાઓ પૂર્વવત કરાશે. તેમજ ઉપરોક્ત તમામ કામો ખાસ ઝુંબેશના ભાગરૂપે હાથ ધરી

દિવાળી પહેલા પુર્ણ કરવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગ, ભાવનગરના ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ડી. એલ. મેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Previous articleમહુવા મુસ્લિમ સમાજ અને પોલીસ દ્વારા યુવા માર્ગદર્શન શિબિર યોજાઈ
Next articleમલાઇકાના હોટ ફોટાઓને જોઇ ચાહકો ફરી રોમાંચિત