બરવાળા પાસે બોટાદ પોલિસના બોલેરો પી.સી.આર.ગાડી તેમજ રિક્ષા વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષામાં મુસાફરી કરી રહેલ ત્રણ લોકોના કમકમાટીભર્યા કરુણ મોત નિપજ્યા હતા જયારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેના કારણે ગમગીની સાથે શોકનુ મોજુ ફરી વળયુ હતુ આ બનાવની જાણ થતા જ બરવાળા પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલિસની બોલેરો કાર દ્વારા રિક્ષાને અડફેટે લેતા ગોઝારા અકસ્માત સર્જાતા હાઈવે રોડ રક્તરંજીત બન્યો ત્યારે પોલીસે રિક્ષાના મૃતક ચાલક વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કરુણાંતિકા ગોઝારા અકસ્માત અંગેની મળતી વિગત અનુસાર બરવાળા-બોટાદ હાઈવે ઉપર બરવાળા સમઢિયાળા ત્રણ રસ્તા પાસે તા.૧૪/૧૦/૨૦૧૯ ના રોજ રાત્રિના ૮ઃ૩૦ વાગ્યાના સુમારે બરવાળા તરફ આવી રહેલી બોટાદ જિલ્લા પોલિસની બોલેરો પી.સી.આર.વાન નંબર જી.જે.૩૩.જી.૦૫૧૯ તેમજ બોટાદ તરફ જઈ રહેલ ટી.સી.પાર્સિંગ સી.એન.જી.રિક્ષા નંબર જી.જે.૪. ટી.સી.૧૬૧ વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાતા (૧) વિનોદભાઈ ઉર્ફે હેમુભાઈ સાદરીયા રહે.બોટાદનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જયારે મહમદભાઈ અહમદશાહ શેખ તેમજ મેઘુભાઈ ફલજીભાઈ વાઘેલા ને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા બંનેના સારવાર દરમ્યાન મોત થતા મૃત્યુ આંક ૩ પર પહોચ્યો હતો જ્યારે રિક્ષામાં મુસાફરી કરી રહેલા (૧) જનકભાઈ મનુભાઈ શાહ (૨) જગદિશભાઈ મેઘુભાઈ વાઘેલા (૩) ઇરફાનભાઈ મહમદભાઈ શેખ સહીત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે બરવાળા તેમજ સમઢીયાળા ઇમરજન્સી ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને બોટાદની શબિહા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા જ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓ બચાવ કામગીરીમાં જોડાઇ ગયા હતા.આ બનાવને પગલે નજરે જોનારા લોકોમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળયુ હતુ.આ બનાવની જાણ બરવાળા પોલીસ મથકને થતા પી.એસ.આઇ. શક્તિસિંહ ઝાલા સહિતનો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે બરવાળા પોલીસે બોલેરો પી.સી.આર.ગાડીના ચાલક વિજયસિંહ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે (૧) માટીના ખોદકામ કરતા કોન્ટ્રાક્ટર (૨) વિનોદભાઈ ઉર્ફે વિજય હેમુભાઈ સાદરીયા વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૪, ૩૦૪(અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.