વિજય હજારે ટ્રોફી : મુંબઈના ૧૭ વર્ષીય બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી

428

મુંબઈના યુવા બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલ બુધવારે પ્રતિષ્ઠિત વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્‌સમેન બની ગયો છે. જયસ્વાલે અહીં ઝારખંડ વિરુદ્ધ ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીના ગ્રુપ-એ મેચમાં ૨૦૩ રનની દમદાર ઈનિંગ રમીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હાલની ટૂર્નામેન્ટમાં તે બેવડી સદી ફટકારનાર બીજો બેટ્‌સમેન છે.

આ પહેલા, વિકેટકીપર-બેટ્‌સમેન સંજૂ સૈમસને કેરલ માટે રમવા ગોવા વિરુદ્ધ અણનમ ૨૧૨ રન બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. તે વિજય હજારે ટૂર્નામેન્ટની એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન છે. આ ઈનિંગની સાથે ૧૭ વર્ષીય જયસ્વાલ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમો ભારતીય બેટ્‌સમેન બની ગયો છે.

ભારતીય બેટ્‌સમેનો દ્વારા લિસ્ટ-એમા ફટકારવામાં આવેલી ૯ બેવડી સદીમાથી પાંચ વનડેમાં બનાવવામાં આવી છે.

લિસ્ટ-એ વનડે મેચમાં રોહિત શર્માના નામે ત્રણ અને સેહવાગ અને સચિનના નામે એક-એક બેવડી સદી છે.

વિજય હજારે ટ્રોફીમાં સૌથી પ્રથમ બેવડી સદી પાછલી સિઝનમાં ઉત્તરાખંડના કર્ણવીર કૌશલે ફટકારી હતી. તેણે સિક્કિમ વિરુદ્ધ ૨૦૨ રનની શાનદાર ઈનિંગ રમી હતી.

Previous articleઅફઘાનિસ્તાન વિરુદ્ધ વિન્ડીઝની ટેસ્ટ,ODI, T૨૦ ટીમની જાહેરાત, ગેલ અને રસેલ બહાર
Next articleફોનથી પીપીએફ સહિતની અન્ય યોજના ઓપરેટ થશે