ચીલઝડપ કરતા આંતરરાજ્ય ભાતુ ગેંગના ૫ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાંચ શખ્સોએ ચીલઝડપના ૨૩ ગુના કબૂલ્યા હતા. તેમજ આરોપીઓ પાસેથી ૧ લાખ ૫ હજાર રોકડા, પલ્સર ગાડી, મોબાઇલ સહિત ૨૦૧૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે અમીત પ્રદીપકુમાર ભાટુ, શ્રવણકુમાર ઉર્ફે ઘોટા શંકરસીંઘ ભાતુ, અખિલેશ સુખરામ ભાતુ, જીતેન્દ્ર સતીશ ભાતુ અને રાજેશ્વરપ્રસાદ ભાતુની ધરપકડ કરી છે. આરોપીઓ કોઇ પણ ધાર્મિક સ્થળે મુસાફર તરીકે રોકાતા અને તેવી આજુબાજુના શહેરી વિસ્તારમાં પોતાના પલ્સર બાઇક લઇને જતા તથા બેંકની બહાર રેકી કરીને બેંકમાંથી નીકળતા વૃદ્ધ સ્ત્રી-પુરૂષનો પીછો કરતા અને મોકો મળ્યે ચેઇન સ્નેચીંગ કરતા હતા.
ભાતુ ગેંગના તમામ સભ્યો મૂળ ઉતરપ્રદેશના વતની છે અને તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત રાજ્યોમાં ચીલઝડપના ગુનાને અંજામ આપી રહ્યા છે. આરોપીઓ જે શહેરમાં ગુનાને અંજામ આપવા જાય તે સમયે તેની નજીકમાં આવેલ કોઈ પણ દેવાસ્થાન ખાતે રોકાતા હતા અને બાદમાં ૨ મોટરસાઈકલ લઇ ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ ચીલઝડપ કરતી સમયે માથા પર હેલ્મેટ પહેરતા હતા. જેથી કરી તેમના ચહેરાની ઓળખ કોઈ પણ જગ્યા પર રહેલા સીસીટીવી કેમેરામાં ન થઇ શકે. પરંતુ આખરે આ ગેંગના પાપનો ઘડો ભરાઈ ગયો અને તે રાજકોટ પોલીસના હાથે ઝડપાઇ ગઈ છે.